જૂનાગઢ મનપામાં ચાલતા મૃત ગાયોનાં ચામડાં ઉતારીને દફનાવવાનું કૌભાંડ ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ બહાર પાડ્યું. આજે આખો દિવસ આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. અને મનપાનાં એ અધિકારી સોશ્યલ મીડિયામાં ભારે ટ્રોલ થયા હતા. દરમ્યાન આ ચામડાં નવાગઢ ખાતે વેપાર કરતા એક શખ્સને વેચવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મૃત ગાયોનાં ચામડાં ઉતારીને પછી દફનાવવામાં આવતું હોવાની અને તે મનપાના અધિકારીઓની મિલીભગત સિવાય શક્ય ન હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે આ મામલે લોકોમાં ભારે રોષની લાગણી છવાઇ ગઇ છે.
દરમ્યાન આ ચામડું નવાગઢ ખાતે વેપાર કરતા એક વ્યક્તિને આ વેચવામાં આવતા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે. આ મામલે આવનારા દિવસોમાં કાનુની લડાઈ થવાના એંધાણ મળી રહ્યા છે. ગાય, ખુંટીયા કે વાછરડા જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવાની જેની જવાબદારી છે એવા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીની બેદરકારી અથવા તો મિલીભગતના સામે જૂનાગઢવાસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમાં ચામડું ઉતારી લેનાર વ્યક્તિએ તો પોતાની વાત સ્વીકારી લીધી. પરંતુ આવી રીતે શહેરમાં મૃત્યુ પામતી ગૌમાતાના ચામડાને ઉતારી લેવાની સહમતી આપનાર અધિકારી કોણ એ પ્રશ્ન ઉઠ્યો છે.
આ ઘટનાથી વ્યથિત થયેલા ધારાસભ્ય સંજય કોરડિયાએ આ મામલે જવાબદાર અધિકારી કલ્પેશ ટોલીયાને કોન્ફરન્સમાં લઈ મોબાઈલ ઉપર સીધો જ પ્રશ્ન કર્યો કે, આપણા શહેરમાં મૃત્યુ પામતી ગાયના મૃતદેહને ક્યાં અને કેવી રીતે દફનાવીએ છીએ? ચામડું ઉતારવાની કામગીરી કરવામાં આવે છે? તેવા પ્રશ્નના જવાબમાં કલ્પેશ ટોલીયાએ કહ્યું હતું કે, જ્યારે પણ કોલ આવે ત્યારે ફરજ ઉપરના કર્મચારી દ્વારા ગાયના મૃતદેહને લઈને ડમ્પિંગ સ્ટેશન ઉપર લઈ જવામાં આવે છે. અને ત્યાં તેની દફનવિધિ કરી દેવામાં આવે છે.
આવો ખુલાસો સાંભળતા ધારાસભ્યએ કહ્યું હતું કે, મૃત ગાયનું ચામડું ઉતારવાની કામગીરી કેમ થાય? તો અધિકારીએ કહ્યું કે, એવું કાંઇ કરવામાં આવતું જ નથી. આથી ધારાસભ્યએ બંનેને વાત કરાવતાં અધિકારી મૌન થઇ ગયા હતા. ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે, આવું થતું હોય તો બંધ કરી દેજો. હું વિશ્વ હિન્દુ પરિષદને મેદાનમાં ઉતારીશ. આ પછી વાત પુરી થઇ હતી. જોકે, આ મામલો લોકો સુધી પહોંચતા આક્રોશ ફાટી નીકળ્યો છે.
બીજીબાજુ આ મામલે જાગૃત નાગરિક વિરલ જોટવાએ રાજ્યના મુખ્યમંત્રીને તાત્કાલિક ઈમેલ મારફત ફરિયાદ કરી છે કે, જૂનાગઢમાં મહાનગર પાલિકાના ચોક્કસ અધિકારીની મિલીભગતથી મૃત ગૌમાતાના ચામડા ઉતારી તેનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાનું મારી જાણમાં આવ્યું છે. આ મામલો અત્યંત ગંભીર અને હિન્દુ સમાજની અસ્થાને ઠેસ પહોચાડનારો છે. આથી જવાબદાર અધિકારી અથવા મૃત ગાયનું ચામડું ઉતારવા માટે થતી કામગીરીમાં જે પણ સામેલ હોય તેની સામે ફરિયાદ દાખલ કરી જેલ ભેગા કરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.