વ્યવસ્થા:સંતો આજે રાત્રે મુહૂર્ત-પૂજા કરી કાલે સવારે પરિક્રમા શરૂ કરશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પરિક્રમમાં પ્રતિબંધની જાણ ન હોવાના યાત્રાળુ આવી પહોંચ્યા. - Divya Bhaskar
પરિક્રમમાં પ્રતિબંધની જાણ ન હોવાના યાત્રાળુ આવી પહોંચ્યા.
  • જેમને પ્રતિબંધની ખબર નથી એવા લોકો આવવા પણ લાગ્યા

ગીરનારની પરિક્રમામાં માત્ર 400 સંતોને જ પ્રવેશ મળશે. પણ ભવનાથમાં અત્યારે હજારો લોકો આવી પહોંચ્યા છે. આ એવા લોકો છે જેઓ નિયમીતપણે પરિક્રમામાં આવે છે. પણ તેઓને આ વખતના પ્રતિબંધની ખબર નથી. પરિણામે તેઓની હાજરીથી ભવનાથમાં યાત્રાળુઓની સંખ્યા વધવા લાગી છે. દરમ્યાન આવતીકાલ તા. 14 નવે.ને દેવદિવાળીના દિવસે રાત્રે 12 વાગ્યે સંતો પરંપરાગત રીતે મુહૂર્ત કરી પૂજા કરશે. પણ પરીક્રમા સવારે શરૂ કરશે. અને 3 દિવસમાં જ પૂરી કરશે.

ગીરનારની પરિક્રમામાં વર્ષોથી દેવઉઠી એકાદશીના ત્રણેક દિવસ અગાઉથી પરિક્રમા શરૂ થઇ જતી હોય છે. લાખ્ખો ભાવિકો એકાદશી પહેલાં તો પરિક્રમા પૂરી કરીને પોતાને વતન પાછા જતા રહે છે. એ ગણત્રીથી ભાવિકો આવવા પણ લાગ્યા છે. આ લોકોને એ ખબર નથી કે, પરિક્રમામાં 400 ની મર્યાદામાં માત્ર સંતોને જ પ્રવેશ મળવાનો છે. વળી પરિક્રમામાં અને ભવનાથમાં અન્નક્ષેત્રો પણ ધમધમતા હોય છે. આથી તેઓ ભોજનને લઇને નિશ્ચિંત હોય છે.

જોકે, આ વખતે પરિક્રમા થવાની જ ન હોવાથી ભવનાથમાં ફક્ત ગણત્રીના અન્નક્ષેત્રો ચાલુ છે. આ અંગે શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન, ગીરનાર સંચાલિત અગ્નિ અખાડા પાસે આવેલા અન્નક્ષેત્રમાં વ્યવસ્થાપક કૈલાસભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, અમારે આજે તો સવારથી લોકો ભોજન માટે આવવા લાગ્યા છે. જોકે, અમારે તો 365 દિવસ અહીં અન્નક્ષેત્ર ચાલુજ હોય છે. પણ દિવાળીથી લઇને આજ સુધી બેથી અઢી લાખ ભાવિકો આવ્યા છે. પરિક્રમા રદ થવાની ખબર નથી એવા લોકો છેલ્લા બેએક દિવસથી વધુ આવી રહ્યા છે.

દરમ્યાન પરિક્રમામાં જોડાનાર 400 સંતોનું લિસ્ટ કલેક્ટર મંજૂર કરશે. તેઓએ 3 દિવસમાં પરિક્રમા પૂરી કરવાની રહેશે. તેઓ દેવદિવાળીની મધરાત્રે પરંપરાગત રીતે રૂપાયતન પાસે મુહૂર્ત કરીને પૂજા કરશે. અને બીજે દિવસે સવારે પરિક્રમામાં જશે. એમ ડીએફઓ સુનીલ બેરવાલે જણાવ્યું હતું.

પરિક્રમામાં ભોજનની વ્યવસ્થા સંસ્થા કરશે
ભાવિકો માટે પરિક્રમામાં ભોજનની વ્યવસ્થા અન્નક્ષેત્રો દ્વારા કરાતી હોય છે. પણ આ વખતે માત્ર 400 સંતોનેજ પ્રવેશ મળવાનો હોવાથી તેઓના ભોજનનો પ્રબંધ ધાર્મિક સ્થળોએ સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે વનવિભાગ દ્વારા પાણી, ડોક્ટર, ફર્સ્ટ એઇડ જેવી વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...