• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Road Work In The Streets Dug Four Years Ago In The Ward Of The President Of Veraval Municipality Will Not Continue Till Azadin Trahimam

સ્થાનિકો પરેશાન:વેરાવળ પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ચાર વર્ષ પૂર્વે શેરીઓમાં ખોદાયેલા રસ્તાની કામગીરી આજદીન સુધી ન થતા રહિશો ત્રાહિમામ

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોદાયા બાદ શેરીઓની બિસ્માર હાલત - Divya Bhaskar
ખોદાયા બાદ શેરીઓની બિસ્માર હાલત
  • શેરીઓમાં ચાર વર્ષથી નવા રસ્‍તા ન બન્‍યા હોવાને લઈ રહીશોએ કલેક્ટરેને રજૂઆત કરી
  • ખોદાયેલી શેરીઓના કારણે અકસ્‍માતોના ભય તેમજ ઘુળ ઉડવાથી લોકોનું આરોગ્‍ય જોખમાતુ હોવાની ફરીયાદ

વેરાવળ-સોમનાથ પાલિકાના પ્રમુખના વોર્ડના ઘનશ્‍યામ પ્‍લોટ વિસ્‍તારની શેરીઓમાં રસ્તાઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજદીન સુધી નવા રસ્‍તા બનાવવામાં આવ્યાં નથી. જેને લઈ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે પાલિકાના શાસકો નક્કર કામગીરી કરાવવાના બદલે માત્ર વચનો અને આશ્વાસનો જ આપી રહ્યા હોવાના આક્ષેપ સાથે વ્‍હેલીતકે શેરીમાં નવા રસ્‍તા બનાવવા અંગે તે વિસ્‍તારમાં રહેતા વિહિપના પ્રમુખે જિલ્‍લા કલેક્ટર, પ્રાંત અધિકારી, ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી છે.

વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં પીવાના પાણીની અને ડ્રેનેજની લાઈનો નાંખવા માટે શેરીના રસ્‍તાઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદવામાં આવ્‍યાં હતા. ત્‍યારબાદ એકાદ વર્ષમાં લાઈનો નાંખવાની કામગીરી પુર્ણ થઇ ગયા બાદ પણ આજની તારીખે ઘણા વિસ્‍તારોની શેરીઓમાં નવા રસ્‍તા બનાવવાનું મુર્હત આવ્‍યું નથી. જેના કારણે રહીશોને પારવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્‍લા ચારેક વર્ષથી રસ્‍તા નવો બનાવાની રાહ જોતા અંગે લોકોની વેદના રજુ કરતા વિહીપના પ્રમુખ ગોંવિદ ભાનુશાળીએ કરેલી લેખીત રજૂઆતમાં જણાવ્યું કે, અમારો ઘનશ્‍યામ પ્‍લોટ વિસ્‍તાર પાલીકાના પ્રમુખના વોર્ડમાં આવે છે. આ વિસ્‍તારમાં ચાર વર્ષ પહેલા પાણીની લાઇન નાંખવા માટે તમામ રસ્‍તા અને શેરીઓ ખોદી નાંખવામાં આવી હતી. ત્‍યારબાદ કામગીરી પુર્ણ થતા થોડા સમય બાદ અમારા વિસ્‍તારના મુખ્‍ય માર્ગો ડામરથી મઢી નવા બનાવવામાં આવ્‍યા હતા.

વધુમાં આ સમયે અમારા ઘનશ્‍યામ પ્‍લોટની 5,6,7,8 અને 9 સહિત અનેક નંબરની શેરીઓમાં નવા રસ્‍તા બનાવવાની કામગીરી કોઇપણ કારણોસર કરવામાં આવી ન હતી. શેરીઓ ખોદાયેલી હોવાથી લોકોને આવન-જાવન કરવામાં અકસ્‍માતનો ભય રહે છે તો બાળકો ઘરની બહાર રમી પણ શકતા નથી. ખોદાયેલી શેરીના લીધે સતત ઘુળ ઉડતી હોવાથી આરોગ્‍યનું જોખમ ઉભુ થવાની સાથે મહિલાઓ પણ ત્રાહીમામ પોકારી ગઈ છે. સમયાંતરે આ બાબતે રજૂઆતો કરી ત્‍યારે ટુંક સમયમાં કામ ચાલુ થશે તેવા આશ્વાસનો લાંબા સમય સુધી આપી રહ્યા હતા. આ દરમિયાન ગત વર્ષે પાલિકાની ચૂંટણી સમયે પણ વ્‍હેલીતકે શેરીમાં નવા રસ્‍તા બની જશે તેવું વચન પણ આપ્યું હતું. આમ, પાલિકાના શાસકો માત્રને માત્ર વચનો અને આશ્વાસનો આપવા સિવાય કંઈ કામગીરી કરતા ન હોવાથી આજે ચાર વર્ષ બાદ પણ અમારા વિસ્‍તારની શેરીઓમાં નવા રસ્‍તા બન્‍યા નથી અને કયારે બનશે તે એક સવાલ છે. વર્તમાન પાલિકાના પ્રમુખ પણ અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેઓ પણ એક વર્ષે તેમના વોર્ડની શેરીમાં નવા રસ્‍તા બનાવવાની કામગીરી કરાવી શકયા નથી. ત્‍યારે અમારી શેરીઓમાં કામગીરી કરવામાં શું ગ્રહણ નડે છે તે તપાસની બાબત છે.

આ મામલે પાલિકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવ્યું કે, મારા વિસ્‍તાર સહિત શહેરના ઘણા વોર્ડની શેરીઓમાં રસ્‍તા બનાવવાના કામની મંજૂરી આપી દેવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્‍ડરીંગ સહિતની પ્રક્રીયા પુર્ણ થયા બાદ વાસ્‍તવીક રસ્‍તા બનાવવાની કામગીરી શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...