જૂનાગઢ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. હાલ આ કામગીરી શહેરના અતિવ્યસ્ત અને ભારે ટ્રાફિકવાળા સરદાર બાગ રોડ પર પહોંચી છે. જેમાં આજે ખોદકામને લઇને એક સાઇડ બંધ કરાતાં સતત 2 કલાક સુધી રસ્તાની એક સાઇડેથી બધા વાહનોએ અવરજવર કરવી પડી હતી.
એક તબક્કે તો એટલો બધો ટ્રાફિક જામ થઇ ગયો કે, ખુદ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ દોડી જઇ ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો. જોકે, બાદમાં છેક વૈભવ ફાટકથી લઇ સરદાર બાગ સુધી ગોકળગાયની ગતિએ વાહનોએ આગળ વધવું પડ્યું હતું.
આથી કેટલાક દ્વિચક્રી વાહન ચાલકોએ પાસેની સોસાયટીઓ અને ગલીઓમાંથી જવાનો વિકલ્પ અપનાવવો પડ્યો હતો. ટ્રાફિક વાળવો પડે એવા માર્ગો પરની કામગીરી દિવસને બદલે રાત્રે થતી હોય તો ધોમધખતા તડકામાં લોકોએ શેકાવાનો વારો ન આવે એવી લાગણી પણ પ્રવર્તી રહી છે.
ગટરની કામગીરી રાત્રે હાથ ધરવા સોશ્યલ મિડીયા પર જૂનાગઢનાં વકીલે કરી વિનંતી
જૂનાગઢ | છેલ્લા કેટલાક દિવસોથી જયારે ગટરનું ખોદકામ કરવાને લીધે રસ્તાની એક સાઇડ બંધ કરવી પડતી હોઇ એ કામગીરી રાત્રે કરાઇ તો લોકોને મુશ્કેલી ન પડે એવી વિનંતી કરતો વિડીયો જૂનાગઢ શહેરનાં વકીલ બશીરભાઇ સાંધએ સોશ્યલ મિડીયા પર શેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.