કાર્યવાહી:સગીરા સ્વેચ્છાએ ગઇ હતી એવી દલીલ કરી દુષ્કર્મના આરોપીએ જામીન માંગ્યા

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જેતપુરના થાણાગાલોળના યુવાન સામે ગુનો નોંધાયો હતો

જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના યુવાન સામે 14 વર્ષીય સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ સગીરા પોતાની સાથે સ્વેચ્છાએ આવી હોવાનું અને તેની સાથે લગ્ન કરવા માંગતી હોવાની દલીલ સાથે જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના સાગર કરશનભાઇ વાઘેલા (ઉ. 22) નામના યુવાન સાથે મેંદરડા તાલુકામાં 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઇ હતી.

જેમાં તેણે જામીન માટે એવી દલીલ કરી હતી કે, ભોગ બનનાર પોતાની સાથે લગ્ન કરવા સ્વેચ્છાએ પોતાનું ઘર છોડીને આવી હતી. અને તેના માતા-પિતા તેની બીજી જગ્યાએ સગાઇ કરવા માંગતા હતા. જોકે, આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, જો તેને જામીન પર મુક્ત કરાશે તો તે ફરીયાદી અને સાહેદોને ધાક ધમકી કે લાલચ પ્રલોભન આપી યેનકેન પ્રકારે ફોડવા પ્રયત્ન કરશે. અને સુલેહ શાંતિનો ભંગ થવાની પૂરી શક્યતા છે.

વળી ભોગ બનનારનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવ્યું હોઇ જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો પ્રજામાનસ પર કાયદાની વિપરીત અસર પડે એમ છે. આથી ત્રીજા એડી. સેશન્સ જજ બીના ચંદુભાઇ ઠક્કરે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...