વરસાદથી સર્વત્ર પાણી પાણી:વરસાદે નરસિંહ મહેતા સરોવર ફરી છલકાવ્યું, દામોદરકુંડ બે કાંઠે વહ્યો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં બપોરના 2:30 વાગ્યાથી મેઘતાંડવ, 2.5 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

જૂનાગઢમાં ભર ભાદરવે અષાઢી માહોલ જામ્યો હતો. મેઘરાજાએ દે ધનાધન 2.5 ઇંચ પાણી વરસાવી દેતા અત્ર, તત્ર,સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. જૂનાગઢ શહેરની સાથે ગિરનારના જંગલમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા હતા. પરિણામે દામોદર કુંડ ફરી બે કાંઠે વહ્યો હતો.સાથે ગિરનાર જંગલનું પાણી નરસિંહ મહેતા સરોવરમાં આવતા નરસિંહ મહેતા સરોવર પણ ફરી છલકાઇ ગયું હતું. જૂનાગઢ શહેરમાં બપોરના 2:30 વાગ્યાથી મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. વિજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાએ ધુંઆધાર બેટીંગ શરૂ કરી હતી.

પરિણામે માર્ગો પાણીથી લથબથ બન્યા હતા. દરમિયાન થોડો વિરામ લીધા બાદ ખાસ કરીને સાંજના 7 વાગ્યાથી ફરી મેઘતાંડવ શરૂ થયું હતું. આકાશમાં વિજળીના ચમકારા અને કાન ફાડી નાંખે તેવી ગર્જના અને જોરદાર પવન સાથે મેઘરાજા ફરી ધોધમાર વરસી પડ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરના તમામ માર્ગો પાણી, પાણી થયા હતા. ગિરનાર જંગલમાં પડેલા વરસાદથી દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો અને તેનું પાણી કાળવાના વોકળામાં થઇ તળાવમાં આવતા નરસિંહ મહેતા સરોવર ફરી છલકાયું હતું. આ પાણી ઝાંઝરડા રેલવે અન્ડરબ્રિઝમાં ભરાયું હતું. સાથે સોનરખ નદી, નારાયણ ધરો વગેરેમાં પણ વિપુલ માત્રામાં પાણીની આવક થઇ હતી.

રોડ રિપેરીંગના કામમાં ફરી વિલંબ
મહાનગર પાલિકા દ્વારા રોડ રિપેરીંગની કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ભારે વરસાદના કારણે આ કામગીરી પણ વિલંબમાં પડશે.

અન્ય સમાચારો પણ છે...