જૂનાગઢમાં હાલ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. પરિણામે લોકોને મોંઘવારીના વધુ એક માર સહન કરવો પડી રહ્યો છે. એમાં પણ ભાવ વધારા પાછળનું એક કારણ એ છે કે, યાર્ડથી બજાર સુધીમાં પહોંચતા શાકભાજીના ભાવ ડબલ થઇ જાય છે! પરિણામે લીલા શાકભાજી ખાવા સામાન્ય વર્ગની પહોંચથી બહાર થઇ રહ્યા છે.
ભાવમાં થયેલા વધારાના કારણે ખાસ કરીને ગૃહિણીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં શાકભાજી લેવા જનાર ગૃહિણીઓના દાંત લીંબુનો ભાવ સાંભળીને ખાટા થઇ જાય છે. જ્યારે મરચાં કરતા તેનો ભાવ વધુ તીખો લાગે છે અને ટમેટાંનો ભાવ સાંભળી ચહેરો લાલઘૂમ થઇ જાય છે. આમ, મોંઘવારીના મારના કારણે સામાન્ય પરિવારની થાળીમાંથી લીલા શાકભાજીના શાકની બાદબાકી થઇ રહી છે. અહિં યાર્ડમાં અને બજારમાં મળતા શાકભાજીના કિલોના ભાવમાં શું તફાવત છે તે દર્શાવવામાં આવ્યું છે.
વરસાદી વાતાવરણના કારણે આવક ઓછી
દરમિયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ વરસાદી વાતાવરણના કારણે શાકભાજીની આવકમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે ભાવ વધારા પાછળનું આ પણ એક કારણ ગણી શકાય કે આવક ઓછી થતા અને માંગ થયાવત રહેતા ભાવમાં વધારો થયો છે.
ખરાબ થાય, નમતું વેંચાય, લાવવાનો ખર્ચ થાય
શાકભાજી યાર્ડથી નિકળીને બજારમાં આવે ત્યાં સુધીમાં તેના ભાવમાં ડબલ જેટલો વધારો થાય છે. આ અંગે શાકભાજીના વેપારીએ જણાવ્યુું હતું કે, જેટલું લાવીએ તેટલું ન વેંચાય. કેટલુુંક શાકભાજી પડ્યું રહે અને ખરાબ થતા નાંખી પણ દેવું પડે છે. આ ઉપરાંત અમે એક સાથે જોખીને લઇએ છીએ અહિંયા 100 ગ્રામ, 250 ગ્રામથી લઇને છૂટક વેચાણ કરવું પડે છે. ત્યારે છૂટક વેંચાણમાં નમતું જાય છે તેના કારણે ભાવમાં વધારો કરવો પડે છે. જ્યારે યાર્ડથી લાવવા માટેનો ખર્ચ ચડે છે અને આખો દિવસ વેચાણ માટે રેંકડીએ ઉભા રહેવાની મજૂરી વગેરેના કારણે ભાવ વધે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.