નિર્ણય:જમીન સંપાદન ન થતાં ઓવરબ્રિજનો પ્લાન બદલાયો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં થયેલ ચર્ચા વિચારણા બાદ જૂનાગઢમાં રેલવે ઓવરબ્રિઝની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો
  • પહેલા​​​​​​​ માત્ર ફોર લેન બનાવવાનો હતો, 97 કરોડના ખર્ચનો અંદાજ હતો હવે 56 કરોડના ખર્ચે બનશે

જૂનાગઢવાસીઓને રેલ્વેના ફાટકથી મુક્તિ અપાવવા ઓવરબ્રિઝ બનાવવાનો પ્લાન કરાયો હતો. તે વખતે ફોર લેન ઓવરબ્રિઝ બનાવવાની વાતો અને પ્રેઝન્ટેશન કરાયું હતું. બાદમાં ગાંધીનગર ખાતે ચર્ચા વિચારણા થતા આ ફોરલેન ઓવર બ્રિઝની ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે. હવે નવો બનનાર રેલવે ઓવર બ્રિઝ ફોરલેન અને ટુ લેન એમ મિક્ષમાં બનશે. અગાઉ ઓવરબ્રિઝનું બજેટ 97 કરોડનું હતું જે હવે ઘટીને 56 કરોડ કરી દેવાયું છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ માત્ર ફોરલેન ઓવરબ્રિઝ બનાવવાનો હતો તેમાં હવે ફેરફાર કરાયો છે.

ખાસ કરીને જોષીપરાથી શરૂ થનાર ઓવરબ્રિઝ રેલવે ફાટકથી ગીતાલોજ અને ત્યાંથી રેલવે સ્ટેશન અને ગાંધીચોક સુધી બનવાનો હતો. બાદમાં ગાંધીચોકથી ત્રિમૂર્તિ હોસ્પિટલ સુધી ઓવરબ્રિઝ બનવાનો હતો. જયારે સરદાર પરાથી બસ સ્ટેશન સુધીનો ઓવરબ્રિઝ બનનાર હતો. હવે ગીતાલોજથી રેલવે સ્ટેશન સુધીનો ઓવર બ્રિઝ નહી બને. જ્યારે સરદાર પરાથી લઇને બસ સ્ટેશન સુધીનો ઓવરબ્રિઝ પણ નહિ. બસ સ્ટેશન પાસે અંડરબ્રિઝ બનશે. જેના દ્વારા બસ સ્ટેન્ડ સર્કલથી ગાંધીચોક લોકો જઇ શકશે. આમ, ઓવરબ્રિઝની ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે.

ચૂંટણી આવતા ઉતાવળ કરાય છે
અગાઉ ઝેડ આકારનો ઓવરબ્રિઝ બનવાનો હતો હવે તેમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પાસેનો ભાગ કેન્સલ કરી એસ આકારનો ગંધારી વાડીથી ગાંધીચોક સુધીનો જ ઓવર બ્રિઝ બનાવાશે. જમીન સંપાદનમાં મનપા ઉણી ઉતરી છે અને માથે ચૂંટણી ગાજે છે એટલે ઉતાવળે પ્લાન બનાવી જેમ તેમ પ્લાન બેસાડી કામ શરૂ કરવા માંગે છે. બસ સ્ટેશન પાસે અન્ડરબ્રિઝ શક્ય જ નથી. જો બનશે તો ગાંધીચોકનું પાણી તેમાં આવશે અને તે અંડરબ્રિઝ પણ જોષીપરા અંડર બ્રિઝની જેમ ચોમાસામાં સ્વિમીંગ પુલમાં ફેરવાઇ જશે.આમ ઉતાવળે કાચું કપાશે અને લોકોને ભવિષ્યમાં હેરાનગતિનો સામનો કરવો પડશે.ખાસ તો કેટલાક લોકોની મિલ્કત કપાતમાં જતી બચાવવા તેમજ ઓવરબ્રિઝમાં અનેક બાંધકામો દબાઇ જતા હોય તેને બચાવવા રાજકીય દબાણ કરીને ડિઝાઇનમાં ફેરફાર કરાવ્યો હોવાની ચર્ચા પણ થઇ રહી છે. - લલીત પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.

કયાં ફોરલેન, ક્યાં ટુ લેન?
સરદાર પરાથી ઓવરબ્રિઝ ટુલેન બનશે. રેલવે ફાટક પહોંચે તે પહેલા અડધેથી ફોરલેન બનશે. ફાટક ઉપર ફોરલેન બનશે. ફાટકથી ગાંધીચોક સુધીમાં અડધામાં ફોરલેન અડધામાં(ગાંધીચોક ઉતરે ત્યાં) ટુ લેન બનશે.

ઓછા ખર્ચે અને ઝડપથી બનશે
રેલવે ઓવરબ્રિઝની ડિઝાઇનમાં ફેરફાર કરવાથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કામ થઇ શકશેે. અગાઉ 97 કરોડના ખર્ચનો અંદાજ હતો હવે 56 કરોડના ખર્ચનો અંદાજ છે. ગુરૂવાર 9 જૂન 2022ના સ્ટેન્ડીંગ કમિટીમાં નવી ડિઝાઇનને મંજુરીની મહોર મારી દે પછી 2 થી 3 મહિનામાં કામ શરૂ થઇ શકે છે.

ગ્રાન્ટનો મોટો પ્રશ્ન છે
નવી ડિઝાઇન મુજબ ઓવરબ્રિઝ બનાવવામાં 56 કરોડના ખર્ચનો અંદાજ છે. મહાનગરપાલિકા પાસે 1 કરોડ છે. બાકીની ગ્રાન્ટ હજુ આવી નથી. માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ત્યારે ગ્રાન્ટ આવે પછી કામ થઇ શકે. ગ્રાન્ટ આવે તો ચોમાસા પછી કામ શરૂ થવાની સંભાવના જણાઇ રહી છે.

ડિઝાઇનમાં ફેરફાર કરવાનું કારણ ?
જમીન સંપાદનનો મોટો પ્રશ્ન છે. જોષીપરા જવાનો રસ્તો સાંકડો છે. ત્યાં વધુ જમીન સંપાદન થઇ શકે તેમ નથી. જો સંપાદન કરે તો જે હયાત રસ્તો છે તે સાવ ટૂંકો થઇ જાય. આ ઉપરાંત ફોરલેન બનાવવા માટે જ્યાં રેલવેની જમીન સંપાદન કરવાની છે તે કામગીરી મુશ્કેલી ભરી છે.

જમીન મેળવવાની વિધીમાં જ ઝાઝો સમય પસાર થઇ જાય. સરદાર પરાથી બસ સ્ટેશન પાસેનો ઓવરબ્રિઝ કેન્સલ કર્યો છે. કારણ કે, ત્યાં સર્વિસ રોડ છે એટલે ઓવરબ્રિઝ બનાવો તો રેલવેની જમીન ઝાઝી જોઇએ. વળી, રેલવની સિંગલ લાઇન છે, ભવિષ્યમાં ટુ લેન કરવાની થાય તો મુશ્કેલી સર્જાય માટે ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...