સિંહોના ટોળા હોતા નથી તે કહેવતને ખોટી પાડતો એક વીડિયો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ જંગલ સફારીમાંથી સામે આવ્યો છે. જે વીડિયો નિહાળીને આપ પણ કહેશો કે "હા સિંહોના ટોળા હોય છે.." આ વીડિયોમાં એક સાથે સિંહ પરિવારના સાત સભ્યો જંગલ સફારીના રૂટ પર આવતા કૃત્રિમ પાણીના કુંડમાંથી પાણી પી તરસ છિપાવતા પ્રવાસીના કેમેરામાં કેદ થયા છે.
ઉનાળાની સીઝનમાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના પોઈન્ટો સુકાઈ જતા હોય છે. જેથી સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કુદરતી અને આર્ટિફિશિયલ મળી 500 જેટલા પાણીના પોઇન્ટો સમગ્ર જંગલ વિસ્તારમાં ઉભા કરી ભરવામાં આવે છે. આ પોઈન્ટમાં વોટર ટેન્કર, સોલાર પંપ અને પવન ચક્કીથી નિયમિત ભરવામાં આવે છે. ઉનાળાની સમગ્ર સીઝન દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણીઓ આ પાણી ભરાતા પોઈન્ટો ઉપરથી તરસ છિપાવે છે.
તાજેતરમાં ગીર જંગલમાં સફારી રૂટ ઉપર વનવિભાગ દ્વારા ઉભા કરાયેલા આવા જ એક આર્ટિફિશિયલ પીવાના પાણીના પોઇન્ટ ઉપર સાત સિંહ એકસાથે પાણી પી તરસ છિપાવી રહ્યા હતા. આ સમયે જંગલની સફારી રૂટ પર ગયેલ એક પ્રવાસી ગ્રૂપના સભ્યના મોબાઈલમાં એક સાથે કુંડમાંથી પાણી પીતા 7 સિંહોના પરિવારના અદભુત દ્રશ્યો વીડિયો રૂપી કેદ થયો હતો. આમ, આકરા તાપ અને ગીર જંગલમાં પડતી પ્રચંડ ગરમીમાં સિંહ પરિવાર એકી સાથે વોટર પોઇન્ટ પર પાણી પીતો દ્રશ્યમાન થાય છે.
નોંધનીય છે કે્, વર્ષ 1973માં સુલેમાન પટેલ નામના ફોટોગ્રાફરે ગીર જંગલમાં એકસાથે પાણી પીતા 9 સિંહોની એક તસવીર લીધી હતી. જે આજે 49 વર્ષ બાદ પણ સિંહપ્રેમીઓમાં ચર્ચામાં રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.