ભરૂચના સાંસદે મામલતદાર તેમજ સર્કલ ઓફિસર સાથે કરેલ ગેરવર્તુણૂકના જૂનાગઢ સુધી પડઘા પડ્યા છે. આ મામલે જૂનાગઢના વર્ગ 3ના અધિકારીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કર્યા છે. આ અંગે જૂનાગઢ જિલ્લા ત્રીજા વર્ગ મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બાખલકીયાએ જણાવ્યું હતું કે, 22 ફેબ્રુઆરીના માલોદ ખાતે અકસ્માત થતા 3 વ્યક્તિના મોત થયા હતા. ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા,પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ વગેરે ત્યાં ગયા હતા.
દરમિયાન મામલતદાર એન.કે. પ્રજાપતિ અને સર્કલ ઓફિસર પણ ત્યાં ગયા હતા તેને પોલીસ અધિકારીને ઉપસ્થિતીમાં સાંસદે ગાળો આપી અશોભનીય વર્તન કર્યું હતું. આ ઘટનાથી રાજ્યના તમામ વર્ગ 3ના મહેસુલી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જવાબદાર સાંસદ સામે જ્યાં સુધી કાનુની કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી જૂનાગઢ જિલ્લા ત્રીજા વર્ગના મહેસુલી કર્મચારીઓ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરશે. આ કાર્યક્રમ અંતર્ગત 3 માર્ચના કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ કર્યો હતો. જ્યારે 4 માર્ચે માસ સીએલ અને 5 માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી પેન ડાઉન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.