ગિરનાર પર્વત અને ગિરનારનું જંગલ માત્ર દેશ- વિદેશના પ્રવાસીઓ માટે જ આકર્ષણનું કેન્દ્ર છે એવું નથી, દેશ- વિદેશના પક્ષીઓ માટે પણ ગિરનાર જંગલની પર્વતમાળાઓ અને જંગલ એટલું જ આકર્ષણનું કેન્દ્ર છે. અહિં દર વર્ષે શિયાળામાં દેશ- વિદેશના પક્ષીઓ ખુબ મોટી સંખ્યામાં આવી જાય છે અને શિયાળો પૂરો થતા જ પોતાના વતન તરફ જતા રહે છે.
છેલ્લા એક દાયકાથી ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઓછા જોવા મળતા આ વિદેશી પક્ષીઓ ગિરનાર પર્વત માળાઓના જંગલ વિસ્તારમાં જોવા મળે છે, જેને નિહાળવા પક્ષીપ્રેમીઓ આવતા હોય છે. બીજા વિસ્તારોમાં ખુબજ ઓછા પણ અહિં શિયાળામાં ખુબ પ્રમાણમાં જોવા મળતા દેશ- વિદેશના પક્ષીઓ એ કુદરતના એક એવા સર્જનના પુરાવાઓ છે કે, પ્રકૃતિને જાળવો એટલે કલરવ સાંભળવા મળે જ. આમ,જૂનાગઢ ગિરનારનું જંગલ વિદેશી પક્ષીઓ માટે શિયાળામાં રહેઠાણ બને છે, બાદમાં તેઓ પરત ફરે છે.
ગિરનાર જંગલમાં જોવા મળતા પક્ષીઓ અંગે માહિતી આપતા જાણીતા પક્ષીવિદ ડો. ગૌરાંગ બગડાએ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી અમે આ વિદેશી એવા રંગબેરંગી પક્ષીઓના જીવનને નજીકથી નિહાળી રહ્યા છીએ. આ પક્ષીઓની ખાસિયત એ છે કે, દર વર્ષે એ જ જગ્યાએ આવે છે જ્યાં તેને યોગ્ય વાતાવરણ મળી ગયું હોય! ગિરનાર તળેટી અને આજુબાજુના જંગલ વિસ્તારમાં કલરવ કરતા આ કુદરતના પ્રતિનિધિઓને નિહાળવા એક લ્હાવો હોય અનેક પક્ષીપ્રેમીઓ તેને નિહાળવા આવતા હોય છે.
ગિરનાર જંગલમાં ટીકલનો કસ્તુરો,કાળું ગીધ, ઉજળું ગીધ, શ્યામ ગરૂડ, નાનો શિયાળુ ટીસો, બદામી પૂંછ માખીમાર, નીલવર્ણી, નીલકંઠી માખીમાર, બદામી છાતી માખીમાર, નીલસીર કસ્તુરો, વન દિવાળી ઘોડો, નીલ દેવ ચકલી, ઘાસીયો ઝુમ્મ્સ, પાંકુત્કી, ગુલાબી પેણ, રેખાડી ચુગડ સહિતના 30થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે, જે હજારો માઈલનું અંતર કાપીને ગીરના પર્વતમાળાને પોતાનું શિયાળાનું રહેઠાણ બનાવે છે.
એમબીબીએસ કરતા કરતા પક્ષીઓના પ્રેમમાં પડ્યો - ડો ગૌરાંગ બગડા
પક્ષીવિદ અને ડોક્ટર ગૌરાંગ બગડા એમડી મેડિસિને જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢમાં ગોકુલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે કામગીરી કરૂ છું. પક્ષી નિરીક્ષણનો શોખ મને એમબીબીએસના પ્રથમ વર્ષથી જ લાગ્યો. કુદરત સાથે રહેવું કુદરતના સુંદરતમ બનાવટ એટલે પક્ષીઓ જે અદભુત રંગોથી ભરપૂર, મધુર અવાજ કરનારા અને મનમોહક અદાઓ અને છટાવ કરનારા હોય છે.
જામવાળા ગીર ખાતે થતા નેચર એજ્યુકેશન કેમ્પમાં દર વર્ષે અમારા મિત્રો સાથે ગીરમાં પક્ષી નિરીક્ષણ અને કુદરત સાથેનો તાદાત્મ્ય શરૂ કર્યું પછી તો જામનગર પોતે જ ઘર આંગણે સ્થાનિક અને યાયાવર પક્ષીઓનું મોટું ઘર છે. ખીજડીયા પક્ષી અભ્યારણ હોય, નરારા ટાપુ હોય કે રણજીત સાગર ડેમ હોય દરેક જગ્યા પક્ષીઓ નિહાળવાનો મોકો મળ્યો છે.
જામનગર મેડિકલ કેમ્પસ પોતે વિવિધ જાતના પક્ષીઓથી સમૃદ્ધ છે. ધીમે ધીમે આ શોખ વિધતો ગયો પછી ગરવા ગિરનારની છાયામાં પક્ષી નિરીક્ષણ ચાલુ કર્યું. આશરે છેલ્લા 20 વર્ષથી પક્ષી નિરીક્ષણ કરૂં છું. પ્રથમ દૂરબીન અને ટેલિસ્કોપથી પક્ષી નિહાળેલા પછી પક્ષીઓની ફોટોગ્રાફી પણ ચાલુ કરેલ હતી. અત્યારે ગુજરાતભરમાં આશરે 400 થી વધારે અને આશરે 700 જેટલા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓની નોંધ કરેલ છે ગિરનારમાં બૌકલ નો કસ્તુરો, ટીકલનો કસ્તુરો, આમૂર શાહીન પિત્તનેલ ફૂતકી ઉતરાખંડની ફુતકી વગેરેની નોંધ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.