નિમીષ ઠાકર
ગુજરાતમાં લકઝરી બસ ચલાવવા માટે રાજ્યનો ટેક્સ મહિનાનો રૂ. 40 હજાર વસૂલવામાં આવતો હોવાને લીધે અનેક બસ માલિકોએ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પોતાની બસ પાસિંગ કરાવી ઓલ ઇન્ડિયા પરમીટ પણ કઢાવી લીધી છે. છેલ્લા બેએક વર્ષથી આ રીતે ગુજરાતની અંદાજે 1200 થી વધુ લકઝરી બસના માલિકોએ આ બે રાજ્યોમાં પાસીંગ કરાવી લેતાં ગુજરાત સરકારે 57 કરોડથી વધુનો સ્ટેટ ટેક્સ ગુમાવ્યો છે.
દરમ્યાન ગુજરાત સરકારે જ્યારથી આ બે રાજ્યોના પાસિંગ થયાં હોય એ તમામ બસોની એનઓસી નીકળી હોય છેક એ વખતથી માસિક રૂ. 40,000 લેખે ટેક્સ, 18 ટકા લેખે પેનલ્ટી અને બાકી ટેક્સ પર 18 ટકા વ્યાજ વસુલવાનો હુકમ કર્યો. અને જો ન ભરે તો બસ ડીટેઇન કરવાનો આદેશ આપવાની તજવીજ કરતાં બસ માલિકોમાં રોષ છવાયો છે. અને રાજ્યનાં ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની મુલાકાત માંગી છે. જો સરકાર આ મામલે બસ માલિકોની માંગણી ન સ્વીકારે તો હાઇકોર્ટમાં જવાની તજવીજ પણ હાથ ધરાઇ છે. આની સામે 250 જેટલા લકઝરી બસ ઓપરેટરોની અમદાવાદમાં બેઠક મળી હતી. અને રોષ વ્યક્ત કર્યો હતો.
અરુણાચલ-નાગાલેન્ડનો ટેક્સ કેમ ઓછો?
અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ પહાડી રાજ્યો છે. આથી ત્યાં લકઝરી બસો જ નથી. અને કોઇને રાખવી પણ ન પોષાય. આથી ત્યાંનો સ્ટેટ ટેક્સ મહિને માત્ર 1 હજાર રૂપિયા છે.
માગ નહીં સ્વીકારય તો હાઇકોર્ટ જઈશું: બસ માલિકો
અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના એક હોદ્દેદારના કહેવા મુજબ ઓલ ઇન્ડિયા પરમીટના જે વર્ષે રૂ. 2.40 લાખ કેન્દ્રને ભરાય એમાંથી તો રાજ્યને હિસ્સો મળે જ છે. પણ હવે બીજે સ્ટેટ ટેક્સ ભર્યો હોય છત્તાં મહિને રૂ. 40,000 લેવા છે. આ માટે નવો વટહુકમ પણ બહાર પાડ્યો છે. અમે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત માટે સમય માંગ્યો છે. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમારે હાઇકોર્ટમાં જવાની જરૂર પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.