કૃષ્ણ સાથે હોળીનું હિન્દુ પરંપરા અને સંસ્કૃતિમાં અલગ મહત્વ જોડાયેલું છે. ત્યારે ગોપીઓ અને રાધાજી દ્વારા કૃષ્ણના વિરહમાં હોળીના આગલા દિવસે દામોદર કુંડ ખાતે રાધા દામોદરજી મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા મંદિર પટાંગણમાં રાળ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેને લઇને દામોદર કુંડ ખાતે વૈષ્ણવોએ પરંપરાગત અને ધાર્મિક વિધિ વિધાન સાથે રાળ ઉત્સવ મનાવ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અગિયારસથી હોલિકાના દિવસ સુધી એક સપ્તાહ સુધી અલગ અલગ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે હોલિકા તહેવારની ધાર્મિક પરંપરા અનુસાર રાળ ઉત્સવથી શરૂઆત થઇ છે.
નવાબી કાળથી ચાલતી આવતી પરંપરા
જૂનાગઢમાં હોળીના આગલા દિવસે અતિ પ્રાચીન દામોદર રાયજી મંદિર ખાતે આદિ અનાદી કાળથી રાળ ઉત્સવ ઊજવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડના ઘાટ ઉપર ઉમટી પડ્યા હતા. જેમાં મંદિરના મુખ્યાજી દ્વારા મશાલ ઉપર રાળ ફેંકી અને તેના ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. રાળ ઉત્સવએ નવાબી કાળ પહેલેથી ચાલી આવતી પરંપરા છે. જેમાં રાળ ઉત્સવને ગોપીઓની વિરહના તહેવાર તરીકે પણ માનવામાં આવે છે.
રસિયાઓ થકી ભગવાન સાથે રિસામણા અને મનામણા કરાય છે
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આ ઉત્સવનું અનેરું મહત્વ છે, જેમાં હોળીના આગલા દિવસે ઉજવવામાં આવે છે. દર વર્ષે દામોદર કુંડ ખાતે આ રાળ ઉત્સવ ઉજવાય છે. રાળ ઉત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીની વિરહની વાત છે. ગોપીઓનો જેટલો વિરહ વધુ એટલી રાળની જ્વાળાઓ વધુ થાય છે. એટલે સ્પસ્ટ બને છે કે, ગોપીઓને શ્રી કૃષ્ણ સાથે કેટલો વિરહ હોય છે. રસિયાઓ થકી ભગવાન સાથે રિસામણા અને મનામણા કરવામાં આવે છે. આ વર્ષે રાળની જાળ પૂર્વ દિશા તરફ જતા આ વર્ષ પણ સારું રહેશે સાથે પુરુષોતમ માસમાં સારો વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાય છે. દામોદર કુંડ યાત્રાધામ નગરીમાં રાળ ઉત્સવ ભક્તિમય વાતાવરણ ઉભુ કરે છે. અતિ પ્રાચીન એવા રાધા દામો દરરાયજી મંદિરે રાળ ઉત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ રાળના દર્શન કર્યા હતા.
ગોપીઓ અને રાધા-કૃષ્ણના વિયોગમાં ઉત્સવનું આયોજન
આ રાળ ઉત્સવ પ્રસંગે રાધા દામોદરજી મંદિરના મુખીયા જાજુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, દામોદર કુંડ ખાતે આવેલા રાધા દામોદરજી મંદિર ખાતે રાળ ઉત્સવનો મહિમા એટલે માટે છે કે અહી મંદિરમાં કૃષ્ણની સાથે રાધાજી બિરાજે છે. એટલે જે રાધાજીની વેદના અને વિરહ જેમાં કૃષ્ણનો વિયોગ થયો જે ગોપીઓ અને રાધાજી કૃષ્ણના વિયોગમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ઝાડ ઉડાડવામાં આવે છે, ત્યારે રાળમાં કરવામાં આવતા આગના ભડકા જેટલા ભડકા ઊંચા જાય છે. તેટલું સમજવું કે રાધાજી અને ગોપીઓ ગોપીજનોને એટલું વિયોગ વધારે થાય છે. આ રાળ ઉત્સવ નવાબકાળથી પુરાણા રાજ્યની ગણના સમયથી જ ઉજવવામાં આવે છે. પહેલા અહીં ઓછા પ્રમાણમાં વૈષ્ણવ સમુદાય હોવાથી રાળનો ઉત્સવ સિમિત સંખ્યામાં ઉજવવામાં આવતો હતો. જોકે, હાલના સમયમાં રાળ ઉત્સવ મોટાપાયે ઉજવાય છે.
તસવીરોમાં જોઇએ રાળ ઉત્સવ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.