પદવીદાન:ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો મુખ્યમંત્રીની હાજરીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રસિઘ્‍ઘ ભાગવત કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાને ડોકટરેટની પદવી એનાયત કરાઇ

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભુમિ દ્રારકા જીલ્‍લાને સાંકળતી સાથે કાર્યક્ષેત્ર ઘરાવતી જૂનાગઢ સ્‍થ‍િત ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં યોજાયો હતો. આ તકે તેમણે પદવી પ્રાપ્ત કરનાર યુવા વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યેની પોતાની કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્રહિત માટે સમર્પિત થવા અપીલ કરી હતી.

સને.2015 માં સ્થપાયેલી ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન 162 કોલેજોના 30 હજારથી વધુ છાત્રોને જુદી જુદી 6 ફેકલ્ટીઝમાં પદવીઓ અને તજજ્ઞતા પ્રાપ્ત 43 દિકરીઓ સહિત 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી મહાનુભાવોના હસ્‍તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પોરબંદર સાંદિપની ગુરૂકુળ આશ્રમના પ્રણેતા એવા પ્રસિઘ્‍ઘ કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાને યુનિવર્સિટી દ્વારા માનદ ડોકટરેટની પદવી મુખ્યમંત્રીના હસ્‍તે એનાયત કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ યુનીવર્સિટીની નવીન વેબસાઇટનું પણ લોંચીંગ કર્યુ હતુ.

પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબોઘનમાં કહેલ કે, કોન્વોકેશન-પદવીદાન એતો ભારતીય ગુરૂકુળ પરંપરામાં સદીઓથી ચાલતી આવતી શિક્ષા-દિક્ષાની આગવી વિશેષતા છે. ભગવાન રામચંદ્રજી, શ્રી કૃષ્ણએ પણ ગુરૂવર્યોના આશ્રમમાં રહીને જ શિક્ષા-દિક્ષા મેળવી હતી. જેથી પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓએ હવે ઘેઘુર વડલાની વડવાઇઓની જેમ કારકિર્દી ઘડતર અને કેરીયરમાં વિશાળ સમાજ હિત વટવૃક્ષ જેવું બનવા આહવાન કરેલ હતુ. રાજયના યુવાનો માટે આધુનિક શિક્ષણ સુવિધાઓ ઘર આંગણે પુરી પાડી છે.‘‘સમાજ હિત અને રાષ્ટ્ર હિતને જ સર્વોપરી માનીને વ્યક્તિગત જીવન ઘડતર સાથે સમાજે આપણને અત્યાર સુધી જે આપ્યુ છે તે હવે આપણે સમાજને પરત આપવાની શરૂઆત થાય છે’’ તેવી વિદ્યાર્થીઓને પ્રેરણા લેવા અપીલ કરી હતી.

આ યુનિવર્સિટીનું નામ જેની સાથે જોડાયેલુ છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવજન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે... નો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી રૂપાણીએ યુવાનોને આહવાન કરેલ કે, હવે તમારે વૈષ્ણવજન તરીકે સમાજના દુખી-પીડીત-જરૂરતમંદ લોકોની સંવેદના સમજીને તેમના કલ્યાણ માટે, સમાજ દાયિત્વ માટે કર્તવ્યરત રહેવાનુ છે. પાઠ્યક્રમની શિક્ષા મેળવ્યા પછી હવે માં ભારતીને વિશ્વગુરૂ બનાવવા, નવા ભારતનું નિર્માણ કરવા નવી ઉર્જા અને સામર્થ્યથી યુવાનોએ સજ્જ થવાનુ છે. આત્મનિર્ભર ભારત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવામાં યુવા શક્તિ પોતાના જ્ઞાન-કૌશલ્ય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી સંવાહક બનશે.

આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે, રાજય સરકારનું સૂત્ર છે કે, ગુજરાત એકમાત્ર એવું રાજય છે કે જેને યુવાનો માટે ગુજરાત સ્ટાર્ટઅપ સ્ટુડન્ટ પોલીસી શરૂ કરી છે. આજ સુધીની પરીક્ષા સીલેબસ આધારીત હતી અને હવે અનએકસપેક્ટેડ હશે. જયારે જાણીતા કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાએ આશીર્વચન પાઠવતા જણાવેલ કે, આજે વિદ્યાર્થીઓને ગરીમાપૂર્ણ જવાબદારીના ભાવ સાથે પોતાની પદવીને સ્વીકારવાનો અવસર છે. શાળા, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો મળીને આપણને લાયક બનાવે છે અને પછી એક ડિગ્રી એનાયત કરે છે. એક લાયકાત અહીંથી પ્રાપ્ત થાય છે. લાયકાતએ માત્ર પ્રમાણપત્ર જ નથી, આપણા પદ સાથે જવાબદારી પણ જોડાયેલી છે.

પદવીદાન સમારોહમાં મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિ.પં.પ્રમુખ શાંતાબેન ખટારીયા, પુનિતભાઇ શર્મા, કિરીટભાઇ પટેલ, દિનેશભાઇ ખટારીયા, જિલ્લા કલેકટર રચિત રાજ, ડીડીઅો મીરાંત પરીખ, કમિશનર આર.એમ.તન્ના, પ્રો.અતુલ બાપોદરા સહિત શિક્ષણવિદો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી
જૂનાગઢમાં ઇતિહાસની અનેક વીરાસતને સાચવી બેઠેલો ઉપરકોટનો કિલ્લો છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ ગયો હતો. તેનુ રૂ.45 કરોડના ખર્ચે રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ઘણા સમયથી ચાલી રહી હોય તે કામગીરીના નિરીક્ષણ માટે આજે જૂનાગઢના નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપરકોટ કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. કિલ્લામાં ચાલતી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું હતું.

ઉપરકોટ કિલ્લો નવાબના વખતમાં બનાવવામાં આવ્યો હતો અને તે વખતે ઉપરકોટનો કિલ્લો બનાવ્યો અને તેમાં જે વસ્તુઓ હતી તે જ રીતનો ફરી બને તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે અને ઉપરકોટના કીલ્લાનું કામ પૂર્ણ થયા બાદ જુનાગઢ પ્રવાસનનું હબ બનશે જેમાં જૂનાગઢ માં શરૂ કરવામાં આવેલી સિંહ દર્શન માટે ગિરનાર સફારી, ગિરનાર રોપ વે, મકબરાઓ સહિતના અનેક ઐતિહાસિક સ્થળો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જુનાગઢ આવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિરીક્ષણના અંતે વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...