ગીરનારના જંગલમાં જટાશંકરની જગ્યા પાસેના જંગલમાં નોનવેજ અને દારૂની પાર્ટી સહિત વિનયભંગની વર્તણૂંક મામલે ભારે હોબાળો થયો હતો. દરમ્યાન આ જગ્યામાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર મારી દેવાયું છે. ગીરનારમાં આવેલી જટાશંકરની જગ્યા પાસે એકાદ માસ પહેલાં નોનવેજની પાર્ટી અને દારૂની મહેફિલ કરનાર કેટલાક અસામાજીક તત્વો સામે વાંધો ઉઠાવનાર મહંત પૂર્ણાનંદજી સાથે શાબ્દિક ટપાટપી બાદ મામલો વિવાદના એરણે ચઢ્યો હતો.
વનવિભાગે ત્યાં જવા સામેજ રોક લગાવી દીધા બાદ જવાની છૂટ આપી હતી. પણ ન્હાવાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, બાદમાં રાજ્યના વનમંત્રીની દરમિયાનગીરી બાદ ભાવિકોને ન્હાઇને જળાભિષેક માટે છૂટ અપાઇ છે. દરમ્યાન જટાશંકરની જગ્યામાં બેનર મારી વિધર્મીના પ્રવેશની સ્પષ્ટપણે મનાઇ ફરમાવાઇ છે.
મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે પણ લંગોટ અથવા ધોતિયું પહેરવાનું ફરજીયાત બનાવાયું છે. સાથે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની પણ મનાઇ ફરમાવાઇ છે. ઘણા છોકરાઓ ટૂંકી ચડ્ડી પહેરીને આવતા હોઇ આ પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે, વસ્ત્રોને લઇને પ્રતિબંધ તમામને માટે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.