વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર મયુર જોશીની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સંદર્ભે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા સરકારમાં રજૂઆત કરાયેલ હતી. જ્યારે ચૂંટાયેલા સદસ્યોએ બોર્ડમાં ઠરાવ કરી આ વિવાદાસ્પદ ચીફ ઓફિસરની બદલી કરવા માગ કરી હતી. જે સંદર્ભે વિવાદાસ્પદ ચીફ ઓફિસરની બદલી થઈ જતા કોંગ્રેસી હોદ્દેદારો અને નગરપાલિકાનાં માજી કોંગી સદસ્યો દ્વારા કચેરી પાસે ફટાકડાં ફોડી આતશબાજી કરવમાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી તેમની બદલવાની માગ કરી હતી. જે માગણી સંતોષાતા વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ, નગરપાલિકાના માજી ઉપપ્રમુખ સિરાજ વાજા, તોસીફ અઝીઝ, નાસીર બુખારી,રિપેશ બારીયા, ઇમરાન સોખડા, હેમંત વાણવી, મયુર ટીલવા સહિતના હોદ્દેદારોએ નગરપાલિકા કચેરી ચોકમાં ફટાકડા ફોડી બદલીને આવકારી હતી.
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિરાજ વાજાએ જણાવ્યું હતું કે, વંથલી નગરપાલિકામાં છેલ્લા સાત આઠ મહિનાથી જે ચીફ ઓફિસર વિરોધ પક્ષની ભૂમિકામાં આવ્યા હતા. જેની સરકારને જાણ કરવામાં આવી હતી અને તેમણે ચીફ ઓફિસરની બદલી કરાતા સરકારનો આભાર માન્યો હતો. તેમના કારણે વંથલીના કામ અટકી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.