બેદરકાર તંત્ર:ડોર ટુ ડોર કચરો એકઠો કરતી કંપનીએ વાહનોનું મેન્ટેનન્સજ ન કર્યું

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ સોંપેલા 55 પૈકી 12 વાહનો બંધ, નંબર પ્લેટ, મહત્વના પાર્ટ કાઢી લેવાયા

શહેરમાંં ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનો જ હવે શહેરના રસ્તા ઉપર કચરો કરી રહ્યા છે. જૂનાગઢ શહેરના વોર્ડ નં. 1 ના કોર્પોરેટર અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરમાં જે ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવે છે એ કંપનીને નગરપાલિકા એ વાહનો આપ્યા છે. પણ સમયાંતરે એ વાહનોનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી કંપનીની હોય છે. પણ આ કંપનીએ વાહનોનું મેન્ટેનન્સ ન કરતાં હવે એ પૈકીના 12 વાહનો બંધ હાલતમાં છે. જૂનાગઢ શહેરમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતી કોન્ટ્રાક્ટ કંપનીને મનપાએ ખરીદેલા નવા નકોર વાહનો આપ્યા હતા. જેની જાળવણી કરવાની જવાબદારી કંપનીની છે.

પણ આ કંપનીની બેદરકારીને લીધે આજે મહાનગરપાલિકાએ આપેલા નવા નકોર વાહનો કંડમ હાલતમાં છે. જેમાં 55 વાહનોમાંથી 12 વાહનો તો બંધ છે. જેનો કોઈ ઉપયોગ કરાતો નથી. બંધ વાહનો વધુ કંડમ થાય એ માટે એમાંથી નંબર પ્લેટ, સીટ, દરવાજાના લોક, તેમજ કચરો ભરવાના કન્ટેનરના ઢાંકણા સહિતની ઘણી વસ્તુઓ કાઢી લેવામાં આવી છે. જે વાહનો ચાલુ હાલતમાં છે. એની પણ જાળવણી કરવામા આવતી નથી.

પરિણામે વાહનમાં ભેગો કરેલો કચરો રોડ ઉપર જ ઢોળાતો આવે છે. આ વાહનો ચલાવનાર ડ્રાઇવરો પાસે લાઇસન્સ છે કે નહી તેની પણ ખરાઇ થવી જોઇએ. સંબંધિત અધિકારી દ્વારા આ કંપનીને નોટીસ આપી વાહનોની જાળવણી કરવા માટે કડકાઇ દાખવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...