શ્વાનોનો ત્રાસ:શ્વાને 3 વાછરડાને ફાડી ખાતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવ દરવાજા નજીકના જાગનાથ મંદિર વિસ્તારનો બનાવ

શહેરના તળાવ દરવાજા વિસ્તારના જાગનાથ મંદિર નજીક રખડતા ભટકતા શ્વાનોએ 3 વાછરડાને ફાડી ખાતા જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે ડો. હરેશભાઇ ડોબરીયાએ જણાવ્યું છે કે,તળાવ દરવાજા વિસ્તારના જાગનાથ મંદિર નજીક રખડતા ભટકતા શ્વાનોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ખાસ કરીને તળાવની પાછળનો દરવાજો ખુલ્લો રહેતો હોવાથી ત્યાં ગાયો જાય છે.

અહિં 3 થી 4 શ્વાનો આવી ગાયો- વાછરડાંને ફાડી ખાય છે. શ્વાનો વાછરડાને ઝખમી કરે પછી તેની સારવાર કરવા વાળું કોઇ ન હોય ઝખ્મી પશુઓ મોતને ભેંટે છે. પશુના મૃત્યુબાદ જાણ કરતા કોર્પોરેશન આવા મૃત ગાયોના વાછરડાને લઇ જાય છે. ત્યારે આ વિસ્તારમાં તળાવનો ગેઇટ બંધ કરવા અથવા અહિં ગાયોના રક્ષણ માટે ચોકીદારની વ્યવસ્થા કરવાની માંગ છે. આ અંગે કોર્પોરેશન દ્વારા સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓમાંથી માંગ ઉઠવા પામી છે.

શહેરભરમાં શ્વાનોનો ત્રાસ
જૂનાગઢ શહેરભરમાં શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં શ્વાનોની સંખ્યા વધી ગઇ છે. આવા શ્વાનો ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ કે વાહન ચાલકો પાછળ દોટ મૂકે છે. કેટલાય લોકોને બચકાં ભરી લે છે. ત્યારે શ્વાનોનો ત્રાસ દૂર કરવા મનપા યોગ્ય કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...