ઘંટાલો પરણે ઘંટલીને ગીરમાં છાકમછોળ, હિરણ-સરસ્વતી જાનડિયું અણવર વાંસાઢોળ. ગીર અને ગિરનારના લોકો એટલા પર્વત પ્રેમી છે કે, અહિં સાસણ નજીક ગામમાં એક ચારણ કવિને લોકો વાંઢો કહેતા. સાથે એમપણ કહેતા કે, તું બીજાના લગ્નમાં જઈ આવે છે અમે તારી જાનમાં ક્યારે આવીશું?
આ મેણું ભાંગવા ચારણ કવિએ સાસણ નજીકના આ નર-નારી રૂપના બે પર્વતના લગ્ન કરાવીને ઉપરોક્ત દુહો લખ્યો હતો. ગીર અને ગિરનાર પંથકમાં નર-નારી સ્વરૂપે અનેક ટેકરીઓ આવેલી છે જે દાદરિયો અને દાદરેચી તેમજ રાયડો અને રાયડી તરીકે ઓળખાય છે. આજે વિશ્વ પહાડ દિવસ છે ત્યારે જૂનાગઢમાં આવેલા હિમાલયના પ્રપિતામહ સમાન ગિરનારની વંદના કરવી જ પડે.
જૂનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્રનો પ્રારંભ 5 મે 1979ના તત્કાલીન આરોગ્યમંત્રી અને જૂનાગઢના મહિલા આગેવાન હેમા આચાર્યના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પર્વતારોહણ માટે ગિરનાર પર્વતને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે.
ગિરનાર પર્વતારોહકો માટે કોલેજ સુધીનું જ્ઞાન આપતો ડુંગર
પર્વતોએ ધરતીને શણગાર નથી કર્યો પણ ધરતી ઉપરનું જીવન ટકાવી રાખી તેને સ્વર્ગ સમાન બનાવી છે. ગિરનારએ પર્વતારોહકો માટે પ્રાયમરી શાળાથી લઈ કોલેજ સુધીનું જ્ઞાન આપતો ડુંગર છે. ગિરનાર પર્વત 3,666 ફૂટ ઉંચો છે અને તેને ટ્રેકિંગ કરીને ચડવો એ અદભુત સાહસ છે, જે ખેડવા અહિં યુવક-યુવતિઓ આવે છે. હાલ અહિં બેઝિક અને એડવેન્ચર કેમ્પ કરાય છે. 8થી 13 જાન્યુઆરી એમ 6 દિવસ માટે આદિવાસી જિલ્લાના બાળકો માટે કેમ્પનું આયોજન કરાયું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.