વેરાવળના ધારાસભ્યને માળિયા હાટીના કોર્ટે એક ગુનામાં સજા ફરમાવ્યા બાદ તેને મોકૂફ રાખવાની અપીલ ધારાસભ્યે કરી હતી. જે અરજી કોર્ટે કાઢી નાખી છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળિયા હાટીના કોર્ટે સજા ફટકારી હતી. જેમાં તેમણે સજાનો હુકમ મોકૂફ રાખવાની અપીલ કરી હતી. જેમાં વિમલ ચુડાસમાના વકીલે એવી દલીલ કરી હતી કે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો હુકમ ધ્યાને લેતાં કોઇ સબસ્ટેન્શિયલ પુરાવો નહીં હોવા છત્તાં પુરાવાઓનું પૂર્ણ રીતે મૂલ્યાંકન કરેલ નથી. અને વિમલ ચુડાસમા વર્તમાન ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકાના સભ્ય હોવાથી તેમની વિરુદ્ધ પસાર કરેલ હુકમ સ્ટે કરવો જોઇએ.
આનો જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે વિરોધ કર્યો હતો. આ તકે કેશોદનાં એડિ. ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ મિલન જી. દવેએ નોંધ્યું હતું કે, ધારાસભ્યે માત્ર જજમેન્ટના આધારે અને તેમાં વર્ણવેલા પેરા સંબંધી દલીલ કરી છે. અને જણાવ્યું છેકે, તેઓ વર્તમાન ધારાસભ્ય છે અને ચોરવાડ નગરપાલિકાના સભ્ય હોવાથી તેઓને નગરપાલિકાની ચૂંટણી લડવામાં તકલીફ ન પડે એવા હેતુથી સજા પર સ્ટે આપવામાં આવે. પણ ફોજદારી સંહિતામાં અથવા અન્ય કોઇ કાયદા કે નિયમ હેઠળ અપીલની સુનાવણીની બાકીમાં ગુનેગાર ઠરાવવાનો સ્થગિત કરવાની કોઇ જોગવાઇ કરાઇ નથી. માત્ર હાઇકોર્ટને એકસાથે બંને સ્થગિત કરવાની સત્તા છે.
વિમલ ચુડાસમાની નગરસેવક તરીકેની ફરજને ધ્યાને લેવા જઇએ તો હાલમાં તે ધારાસભ્ય અને નગરસેવક તરીકે ચાલુ જ છે. નગરસેવક તરીકેની તેની ટર્મ પૂરી થાય અને ફરીથી નગરપાલિકાની ચૂંટણી આવે એવી કોઇ તારીખ હજુ ચૂંટણી કમિશનરે જાહેર કરી નથી. વળી આ ગુનામાં ફરિયાદીએ આરોપીને થયેલી સજા વધારવાની પણ અપીલ કરી છે. અને તેમને હજુ સાંભળવાના બાકી છે. પણ સજા સ્થગિત કરવાની માગણી કોર્ટે ગ્રાહ્ય નથી રાખી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.