વિકાસ કામોને લીલીઝંડી:જૂનાગઢ શહેરની સ્વચ્છતા માટે મહાનગરપાલિકા 86 વાહનો ખરીદશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી
  • 70,00,000થી વધુના અનેક વિકાસ કામોને અપાઇ લીલીઝંડી
  • ફાયર માટે પણ વાહનો ખરીદાશે, શહેરના વિવિધ વોર્ડમાં સીસીરોડ, કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક, ડ્રેનેજની કામગીરી કરાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને શહેરની સ્વચ્છતા પર ભાર મૂકાયો હતો. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ખૂટતા સાધનો, વાહનો ખરીદવાની કામગીરીને લીલીઝંડી અપાઇ છે. આ ઉપરાંત ખાસ કરીને ફાયર વિભાગ માટે પણ જરૂરી વાહનો- સાધનો ખરીદાશે. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીરોડ, કમ્પાઉન્ડ વોલ, ડ્રેનેજ, પેવર બ્લોક વગેરેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

આમ, આશરે 70,00,000થી વધુના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીની બેઠક પહેલા સંકલનની બેઠક યોજાઇ હતી જેમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, તેમજ સ્થાયી સમિતીના સિનીયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પણસારાના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ બેઠકમાં શશીકાંત ભિમાણી, બાલાભાઇ રાડા, કિશોરભાઇ અજવાણી, નટુભાઇ પટોળીયા, આરતીબેન જોષી, દિવાળીબેન પરમાર, ભારતીબેન ત્રાંબડીયા, શાંતાબેન મોકરીયા સહિતના સદસ્યોની ઉપસ્થિતી રહી હતી.દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે જરૂરી એવા 86 વાહનો ખરીદવા, ફાયર માટેના સાધનો ખરીદવા તેમજ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના વિકાસ કાર્યો કરવાના આશરે 70,00,000ના કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે.

સફાઇ માટે આ 86 વાહનો ખરીદાશે
સફાઇ કામગીરી સઘન બનાવવા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થકી શહેરના તમામ શેરી, મહોલ્લામાં ચોખ્ખાઇ રહે તે માટે ખાસ કરીને 75 ગાર્બેજ કલેકશન વાહનો ખરીદી વોર્ડ વાઇઝ ફાળવાશે. આ ઉપરાંત 6 નવા ડમ્પર ખરીદાશે, 1 જેસીબી ખરીદાશે, 1 હિટાચી ખરીદાશે તેમજ 3 નંગ ફ્રન્ટ એન્ડ લોડર ખરીદાશે.

ફાયર માટેના સાધનો
શહેરમાં આગની ઘટના બને તો તુરત આગ પર કાબુ મેળવી શકાય તે માટે ખૂટતા- જરૂરી સાધનો ખરીદવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે. આમાં ખાસ કરીને મલ્ટિ પર્પઝ ફાયર સ્ટેન્ડ અને ફર્સ્ટ રિસ્પોન્ડર વાહન ખરીદવાની ટેન્ડરની શરતોને મંજૂર કરાઇ છે.

આઇસીડીએસ શાખા માટે 5,00,000
જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલીત આઇસીડીએસ ડિપાર્ટમેન્ટ હસ્તકની ચાલતી જુદી જુદી યોજનાઓ અંતર્ગત આઇસીડીએસ શાખા દ્વારા 5,00,000નો ખર્ચ થવા સંભવ હોય તે રકમને મંજૂર કરાઇ છે.

અહિં બનશે સીસી રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના કામો
વોર્ડ નંબર 11 દુર્વેશ નગરની જુદી જુદી ગલીઓમાં 3,68,056ના સીસીરોડના કામો થશે, વોર્ડ નંબર 12 પટેલ સમાજની પાછળ 6,09,762ના સીસીરોડના કામો થશે, જ્યારે વોર્ડ નંબર 12માં ટીંબાવાડી બસ સ્ટેશન સામે તેમજ પટેલ સમાજની સામે 7,89,517ના ખર્ચે સીસીરોડના કામો થશે, વોર્ડ નંબર 6માં કમ્પાઉન્ડ વોલ તેમજ ફિકસીંગ પેવર બ્લોકના 6,77,620ના કામો થશે.

વોર્ડ નંબર 5માં ફિક્સીંગ પ્રિકાસ્ટ બેન્ચીઝ, ડ્રેનેજ, સીસીરોડના 5,85,457ના કામો થશે, વોર્ડ નંબર 11ના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ, સીસીરોડ, પેવર બ્લોકના 21,71,834ના કામો થશે, વોર્ડ નંબર 6માં સીસીરોડ, ડ્રેનેજના 5,12,353ના કામો થશે અને વોર્ડ નંબર 4માં પોસ્ટલ સોસાયટીમાં સીસીરોડના 8,08,435ના કામો કરવાની દરખાસ્તને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...