જૂનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. દરમિયાન કોરોના પહેલાના વર્ષ અને કોરોના મહામારી બાદના સમયના પ્રવાસીઓની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો જાણવા મળે છે કે, પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. બીજી તરફ ગિરનાર રોપ વેની સફર માણનારા પૈકી 95 ટકા લોકો સક્કરબાગની મુલાકાત લેતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં અનેક ઐતિહાસિક અને ધાર્મિક હરવા ફરવાના સ્થળો આવેલા છે. દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભાવિકો, યાત્રીકો અહિં આવે છે અને જૂનાગઢ શહેરની યાદગીરી પોતાની સાથે લઇ જાય છે. એમાં પણ 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તો લોકો અવશ્ય લેય જ છે. જોકે, તેમાં હવે ગિરનાર રોપ વે(ઉડન ખટોલા)ના નામે એક વધુ નવું અને રોમાંચક નજરાણું ઉમેરાયું છે. ગિરનાર રોપ વેની મુલાકાત લેનારા પૈકી 95 ટકા લોકો સક્કરબાગની મુલાકાત લેય છે. જોકે, લોકોમાં કોરોના મહામારીનો ભય બેસી ગયો છે જેના પરિણામે સક્કરબાગ ઝૂમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
દરમિયાન સક્કરબાગ ઝૂના આરએફઓ નિરજ મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ઓકટોબરથી લઇને માર્ચ 2020 સુધીમાં કુલ 5,89,171 પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે એપ્રિલ 2020થી લઇને સપ્ટેમ્બર 2020 અને મે 2021 મળી કુલ 7 મહિના ઝૂ બંધ રહ્યું હતું. દરમિયાન ઓકટોબર 2020થી જુલાઇ 2021 સુધીમાં 4,47,912 પ્રવાસી આવ્યા છે. આમ, કોરોના મહામારીના ભયને લીધે આવનાર પ્રવાસીની સંખ્યામાં 1,41,912 ની ઘટ જોવા મળી છે. મતલબ, કોરોનાની લહેર ઓછી થતા સરકારે છૂટ આપી છે પરંતુ અનેક પરિવારો હજુ બહાર નિકળવાનું મુનાસિબ માનતા નથી.
દરમિયાન ઉષા બ્રેકો કંપનીના રિઝીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, 25 ઓક્ટોબર 2020થી ગિરનાર રોપ વે(ઉડન ખટોલા) શરૂ કરવામાં આવ્યો છે. રોપ વેમાં અત્યાર સુધીમાં કુલ 4,70,000 જેટલા પ્રવાસીઓ આવ્યા છે. બીજી તરફ સક્કરબાગ ઝૂમાં ઓકટોબર 2020થી જૂલાઇ 2021 સુધીમાં 4,47,912 પ્રવાસી આવ્યા છે. મતલબ, રોપ વેની સફર માણનાર પૈકી 95 ટકા લોકો સક્કરબાગ ઝૂની મુલાકાત લે છે, જ્યારે 5 ટકા લોકો મુલાકાત લેતા નથી.
કોરોના ન હોત તો સંખ્યા વધી હોત
સક્કરબાગ ઝૂ કોરોનાના કારણે 7 મહિના બંધ રહ્યું હતું જેના કારણે પ્રવાસીની સંખ્યામાં ઘટાડો થયો છે. જો, કોરોના ન હોત તો આવનાર પ્રવાસીની સંખ્યામાં ખાસ્સો વધારો થયો હોત.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.