ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો જૂનો મુખ્ય પેવર રસ્તો છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર સ્થિતિમાં હોવાથી વાહનચાલકો મુશ્કેલી વેઠીને કંટાળી ગયા છે. જેમાં છેલ્લા ચાર વર્ષથી તો આ રસ્તાને થીગડા મારીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. પણ હવે આગામી ચોમાસુ શરૂ થાય તે પહેલા આ રસ્તો નવા પેવરથી બનાવવાની ડોળાસા સહિતના આસપાસના ગામલોકો માંગ કરી રહ્યા છે. આ માંગણી પ્રત્યે દર વખતની જેમ તંત્ર ઉદાસીન રહેશે તો ડોળાસાના ગ્રામજનો લોકઆંદોલનનો માર્ગ લેશે તેવું તેઓ વિચારી રહ્યા છે.
સોમનાથ-ઉના નેશનલ હાઇવેના ચાલતા કામ અંતર્ગત ડોળાસા ગામે નવા સૂચિત બાયપાસનું કામ કાચબા ગતિએ થઈ રહ્યું હોવાથી મુશ્કેલી તો છે. પરંતુ ડોળાસા ગામમાંથી પસાર થતો વર્ષો જુનો હયાત પેવર રસ્તો પણ છેલ્લા પાંચ વર્ષથી ચિથરે હાલ બિસ્માર સ્થિતિમાં છે. દર ચોમાસામાં આ રસ્તો ગટર બની જતો હોવાથી ગામ લોકો અને વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે. જે અંગે અગાઉ જ્યારે જ્યારે ગ્રામજનોએ નવા રસ્તો બનવવાની માંગ સાથે ફરીયાદ અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારે એટલે સફાળું જાગતુ તંત્ર થીગડાં મારી જાય છે. ત્યારે ડોળાસા ગામના લોકોને આશ્વાસન આપતા તંત્ર કહે છે કે આ રસ્તો નવો પેવર બનાવવા દિલ્હી દરખાસ્ત મોકલી છે. જે ટૂંક સમયમાં મંજૂર થયા બાદ કામ શરૂ કરાશે.
આમ ને આમ પાંચ વર્ષ વિતી ગયા પણ હજુ સુધી નવો પેવર રસ્તો બન્યો નથી અને નવા બનતા બાયપાસના રસ્તાનાં કાંઈ ઠેકાણા નથી. ડોળાસા ગામના લોકો અને આગેવાનોને અત્યાર સુધી તંત્ર દ્વારા મામા બનાવાઈ રહ્યા હતા. પરંતુ હવે ડોળાસા ગામના યુવાનો રસ્તાના પ્રશ્નને લઈ આંદોલનના મુડમાં છે. તેમણે આ ચોમાસા પહેલા નવો પેવર રોડ બનાવવા માંગ ઉઠાવી છે. હાલ આ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે તમામ વાહન ચાલકો ભારે પરેશાન છે. તેનું મરામત કામ સત્વરે હાથ ધરવા પણ માંગ કરી છે. જો રસ્તો બનાવવા બાબતે તંત્ર સમયસર જાગી કામગીરી નહીં કરે તો યુવાનો મેદાનમાં આવશે તેવી ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.