તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:શહેરમાં 2 હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 85 બેડની સુવિધા બનાવાશે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોએ સ્વજન ગૂમાવ્યા છે ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં ફરી આવું બનવા ન પામે તે માટે તૈયારી શરૂ કરતું મનપા
  • ટીંબાવાડીમાં 60 બેડ અને ભવનાથમાં 25 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા મનપા તંત્ર સજ્જ થઇ ગયું છેે. આ માટે 2 કરોડના ખર્ચે શહેરના 2 વિસ્તારમાં મળી ઓક્સિજન સાથેના કુલ 85 બેડની હોસ્પિટલ બનાવવાની કામગીરીને સ્થાયી સમિતીએ મંજૂરી આપી દીધી છે. જૂનાગઢ શહેરમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી હતી. કોરોનાના કારણે સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા પણ હજારોમાં પહોંચી ગઇ હતી. જ્યારે કોરોનાના કારણે અનેક પરિવારોને પોતાના સ્વજનો ગૂમાવવા પડ્યા હતા.

અનેક તો ઘરના મોભી ગૂમાવતા પરિવારની આર્થિક સ્થિતી દયનીય બની ગઇ છે. કેટલાક બાળકોએ માતા કે પિતા તો કેટલાક બાળકોએ માતા અને પિતા બન્ને ગૂમાવી દીધા હોય તેઓ નોધારા બની ગયા છે. આવું થવાનું મુખ્ય કારણ કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની કમીને ગણી શકાય. સેકન્ડ વેવની શરૂઆતમાં કોરોનાના દર્દીને ઓક્સિજન સાથેનો બેડ મળવો મુશ્કેલ બન્યો હતો. ખાસ તો ઓક્સિજનના અભાવે જ અનેક દર્દીઓ મોતના ભેટ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

દરમિયાન શહેરમાં મસમોટી સરકારી હોસ્પિટલ, અનેક ખાનગી હોસ્પિટલો, સંખ્યાબંધ કોવિડ કેર સેન્ટર કાર્યરત હોવા છત્તાં અનેક દર્દીને ઓક્સિજન સાથેના બેડ મળવા મુશ્કેલ બન્યા હતા. કેટલાકને નીચે તો કેટલાકને સ્ટ્રેચર પર તો કેટલાકને વાનમાં જ ઓક્સિજનના બાટલા ચડાવવા પડ્યા હતા તે દ્રશ્યો હજુ પણ નજરે તરી રહ્યા હોય જેનાથી લોકોને કંપારી છૂટી જાય છે. દરમિયાન કોરોનાની બીજી લહેર તો લગભગ પાર કરી ચૂક્યા છે. હવે કોરોનાના કેસ આંગળીના વેેઢા પણ વધી પડે તેટલા જ નોંધાઇ રહ્યા છે.

જોકે, તેમ છત્તાં નિષ્ફિકર થઇ જવાની જરૂર નથી બલ્કે વધુ સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે, કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. ત્યારે કોરોનાની આ સંભવિત ત્રીજી લહેર આવે તો તેેને પહોંચી વળવા માટે મનપા દ્વારા તૈયારી શરૂ કરી દેવાઇ છે.

શુક્રવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વધુ ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલો તૈયાર કરવાની કામગીરીને મંજૂરી અપાઇ છે. કુલ 2 કરોડના ખર્ચે શહેરમાં 2 સ્થળો પર ઓક્સિજન સાથેના કુલ 85 બેડ વાળી હોસ્પિટલ બનાવાશે. શહેરના ટીંબાવાડી સામુહિક કેન્દ્ર ખાતે ઓક્સિજન સાથેના 60 બેડ અને ભવનાથ સ્થિત હોસ્પિટલ ખાતે 25 બેડ મળી કુલ 85 બેડ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સાથે કાર્યરત કરવામાં આવશે.

સ્થાયી સમિતીમાં આ નિર્ણયો પણ લેવાયા
વોર્ડ નંબર 1 થી 15માં રોડ રસ્તાની કામગીરી માટે વોટર વર્કસ અને બાંધકામ શાખાએ સંકલન કરી કામગીરી હાથ ધરવી, સોનાપુરી સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠીઓના ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરીના ટેન્ડરની શરતો મંજૂર કરાઇ, જુદી જુદી શાખામાં કોમ્પ્યુટર માટેની જરૂરી સામગ્રી, કુરિયર સર્વિસ, ફ્લકેસ બેનર્સ, ફુલહાર, બુકે વગેરે માટેના વાર્ષિક ભાવો પણ મંજુર કરાયા છે.

ગત વર્ષના પ્રિ મોન્સૂનની કામગીરીનાં રૂપિયા 30,00,000ને સ્ટેન્ડિંગની મંજૂરી !!
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીએ ગત વર્ષની પ્રિ મોન્સૂનની કામગીરીના રૂપિયા 30,00,000ને મંજૂરીની મહોર મારી દીધી છે. ત્યારે આ રકમમાં પણ ભ્રષ્ટાચાર કરાયો હોવાની મનપામાં જ ચર્ચા જાગી છે. જોવાની ખૂબી એ છે કે, ચાલુ વર્ષે પ્રિ મોન્સૂનની કામગીરી માટે 9,00,000 મંજૂર કરાયા હતા.

ત્યારે ગત વર્ષે 30,00,000 કઇ રીતે થયા હશે ? દરમિયાન એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગત વર્ષે કાર્યાલય આદેશથી પ્રિ મોન્સૂનની કામગીરી કરી પાછળથી 30,00,000 ની રકમ દર્શાવી દીધી હતી. જોકે, પૂર્વ કમિશ્નર તુષાર સુમેરાને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા રકમ મંજુર કરી ન હતી. દરમિયાન નવા કમિશ્નર આવતા જ તેને અગાઉની વધુ જાણકારી ન હોય તે સ્વાભાવિક જ હોય રકમ મંજુર કરાવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...