પુલના કામમાં પોલમપોલ:કેશોદના શેરગઢ નજીક ત્રણ મહિના પહેલા જ બનેલો પુલ અને માર્ગ ધોવાઈ જતા તંત્રની પોલ ખુલ્લી પડી

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘોવાઇ ગયેલ પુલનો માર્ગ - Divya Bhaskar
ઘોવાઇ ગયેલ પુલનો માર્ગ
  • માર્ગના નબળા કામને લઇ ફરીયાદ છતાં તંત્રએ કોઇ કાર્યવાહી ન કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ

જૂનાગઢ જીલ્‍લાના કેશોદ તાલુકાના છેવાડાના શેરગઢ ગામે ત્રણ મહિના પૂર્વે લોટ-પાણીને લાકડાની નીતિ રાખી બનાવવામાં આવેલ પુલ-માર્ગ વરસાદમાં ધોવાઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ-માર્ગ બનાવતી સમયે જવાબદાર માર્ગ મકાન વિભાગના અઘિકારીઓએ દાખવેલ આંખ આડા કાનની નીતિની મેઘરાજાએ પોલ ખોલી નાંખી છે. ત્‍યારે આ નબળા કામ અંગે જવાબદારો સામે પગલાં લેવા ગ્રામજનોમાંથી માંગ શરૂ થઇ છે.

કેશોદ તાલુકાના શેરગઢ ગામે પાંચેક માસ પૂર્વે પુલ બનાવવાનું કામ ચાલી રહેલ તે સમયે જ ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી પુલ-માર્ગનું કામ નિયમો મુજબ માલ-સામાન વાપર્યા વગર થતુ હોવાની ફરિયાદો કરી હતી. તે સમયે થયેલ ફરિયાદ બાદ પુલનું કામ એકાદ મહિના સુઘી બંધ રહ્યું હતુ. ત્‍યારબાદ એક દિવસ અચાનક તંત્રની મીઠી નજર હેઠળ કામ શરૂ કરી પૂર્ણ કરી દેવાયુ હતુ. દરમિયાન છેલ્‍લા થોડા દિવસમાં પૂર્વે મેઘરાજાની પઘરામણી થતા વહેતા થયેલ વરસાદી પાણીમાં પુલના માર્ગમાં વપરાયેલ સામગ્રીનું મોટાપાયે ધોવાણ થઈ ગયુ હોય તેમ મસમોટા ખાડા પડી ગયેલા જોવા મળતા હતા. જેથી ગ્રામજનોને મળેલ સુવિઘા ટુંકા દિવસોમાં દુવિઘામાં ફેરવાઇ જતા રોષ પ્રર્વતેલ હતો.

કેશોદ અને મેંદરડાથી માળીયા હાટીના તરફ જવાના આ મુખ્ય માર્ગ પર આવેલા શેરગઢ ગામ નજીક લાખો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવાયેલા પુલ-માર્ગનું ધોવાણ થતા સરકારના પૈસા એળે ગયા છે. તો શેરગઢ ગામ સહિત આસપાસના અવાણિયા, ખડખડીયા, અજાબ, માળિયા, માતરવાણિયા, અમરાપુરના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો અને વાહનચાલકોને મળેલી સુવિધા નબળાં કામને કારણે છિનવાઈ ગઈ હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. જેને લઇ પુલ-માર્ગનું કામ કરનાર કોન્‍ટ્રાકટર એજન્સી સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે. શેરગઢ ગામે ધોવાઈ ગયેલાં પુલના કામમાં મેટલ મોરમને બદલે ઉકરડા ભરીને નાખવાની સાથે ડામરની સાથે બળેલું ઓઈલ ઉપયોગ કરવામાં આવ્યું હોવાની ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવતાં કામોમાં ફરિયાદો કરવામાં આવે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતાં હજું પણ સંખ્યાબંધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ ધોવાઈ જવાની સંભાવના વર્તાય છે.

અન્ય સમાચારો પણ છે...