આપઘાત:દામોદર કુંડમાંથી યુવકની, વિલીંગ્ડન ડેમમાંથી મહિલાની લાશ મળી આવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ડિપ્રેશનથી આપઘાત કર્યો, પત્નિના મોતના આઘાતમાં યુવકે મોત વ્હાલું કર્યું

શહેરના ગિરનાર રોડ સ્થિત દામોદર કુંડમાંથી યુવકની લાશ મળી આવી છે. જ્યારે વિલીંગ્ડન ડેમમાંથી આધેડ મહિલાની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા ફાયરની ટીમે બન્નેની લાશને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડી ભવનાથ પોલીસે જાણ કરી હતી.આ અંગે ચિફ ફાયર ઓફિસર દિપક જાનીએ જણાવ્યું હતું કે, ભવનાથ પોલીસમાંથી સવારે 9:45 વાગ્યે ફોન આવ્યો હતો કે, વિલીંગ્ડન ડેમમાં લાશ પડી છે. બાદમાં ફાયરની ટીમે આઘેડ મહિલાની લાશને બહાર કાઢી પીએમ માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

દરમિયાન સવારે 10:30 વાગ્યા આસપાસ ભવનાથ પોલીસમાંથી ફરી ફોન આવ્યો હતો કે, દામોદર કુંડ પાસેના મુચકુંદ ગુફા તરફ જવાના રસ્તા પાસેના કુંડમાં એક લાશ પડી છે. બાદમાં ફાયરની ટીમે તુરત દોડી જઇ યુવકની લાશને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. દરમિયાન ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિલીંગ્ડન ડેમમાંથી મળેલી લાશની ઓળખ થઇ છે. મૃતક મહિલાનું નામ મંજુલાબેન વિનુભાઇ અમૃતલાલ યાદવ (ઉ.વ. 62)હોવાનું અને તે ડિપ્રેશનમાં- ટેન્શનમાં રહેતા હોય વિલીંગ્ડન ડેમમાં પડી આપઘાત કર્યો હોવાનું તેમના પતિએ જણાવ્યું હતું.

જ્યારે દામોદર કુંડમાંથી અંદાજે 22 વર્ષના યુવકની લાશ મળી આવી હતી. જેની ઓળખ પણ થઇ છે. મૃતક યુવાનનું નામ સમીર વિનુભાઇ દવેરા (ઉ.વ. 22, ઇવનગર) હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મૃતક યુવાનની પત્નિએ બે મહિના પહેલા તેમના ઘરે જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પત્નિના મોત બાદ તેમના પતિએ પણ દામોદર કુંડમાં પડી આપઘાત કરી લીધો હતો.

1 મહિના પહેલા લાઇટો માટે જાણ કરાઇ, હજુ શરૂ નથી કરાઇ
દામોદર કુંડના કાંઠે લાઇટો બંધ હોય અંધારપટ્ટ હોય છે. પરિણામે ખાસ કરીને રાત્રિના સમયે કોઇ દામોદર કુંડમાં પડી શકે છે. જ્યારે દામોદર કુંડમાં મગરનો વાસ હોય કુંડમાં પડેલ ભાવિક મગરનો શિકાર થઇ શકે છે. આ માટે 1 મહિના પહેલા મહાનગરપાલિકામાં જાણ કરાઇ છે. પરંતુ હજુ સુધી લાઇટો શરૂ કરાઇ નથી. -નિલેશ પુરોહિત, તિર્થ ગોર સમિતી, દામોદર કુંડ.

અન્ય સમાચારો પણ છે...