મોત:વેરાવળના મંડોર ગામે હિરણ નદીના કાંઠેથી પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળી આવ્યો, મોતનું કારણ અકબંધ

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નદીમાંથી મળી આવેલ સિંહનો મૃતદેહ - Divya Bhaskar
નદીમાંથી મળી આવેલ સિંહનો મૃતદેહ
  • સિંહ દિવસની ઉજવણી બાદ જિલ્લામાંથી સિંહણ બાદ સિંહનો મૃતદેહ મળતા સિંહપ્રેમીઓમાં રોષ

સિંહ દિવસની ઉજવણી સમયે જ ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક હિરણ નદી કાંઠેથી પાંચ થી સાત વર્ષીય સિંહનો મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી જન્‍મી છે. જાણ થતા વન વિભાગનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ કોહવાય ગયેલા સિંહના મૃતદેહને કબ્‍જે લઇ મૃત્‍યુનું કારણ જાણવા પીએમ અર્થે ખસેડી નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

રાજયમાં સિંહ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કર્યા બાદ બે દિવસમાં ગીર સોમનાથ જીલ્‍લાના જુદા જુદા સ્‍થળોએથી એક સિંહણ અને એક સિંહના મૃતદેહો મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષ વ્‍યાપેલ છે. ત્‍યારે વેરાવળ તાલુકાના મંડોર ગામે આવેલ હિરણ નદીના કાંઠે મૃત સિંહનો મૃતદેહ તરતો જોવા મળેલ હતો. જે અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્‍ટર ઓફીસર સ્‍ટાફ સાથે સ્‍થળ પર દોડી ગયા હતા. જયાં નદીના કાંઠે પાણીમાં તરતા સિંહના કોહવાઇ ગયેલ મૃતદેહનો કબ્‍જો લઇ તપાસ હાથ ઘરી હતી. બાદમાં સિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો.

આ અંગે વેરાવળ રેંજના આરએફઓ એચ.ડી.ગળચરે જણાવેલ કે, મૃત હાલતમાં મળી આવેલ સિંહ નર અને પાંચ થી સાત વર્ષનો છે. સિંહ ગીર જંગલમાં વસવાટ કરતા કોઇ ગ્રુપનો છે. મૃતદેહ મળી આવ્‍યાના બેએક દિવસ પહેલા કોઇ સમયએ સિંહનું મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન છે. સિંહનો મૃતદેહ કોહવાઇ ગયેલ હોવાથી મોતનું કારણ સ્‍પષ્‍ટ થયુ નથી. જેથી સિંહના મૃતદેહમાંથી નમુના લઇ એફએસએલમાં મોકલવામાં આવેલ છે. જયાંથી રીપોર્ટ આવ્‍યા બાદ મોતનું કારણ સ્‍પષ્‍ટ થશે.

અત્રે નોંઘનીય છે કે, એક તરફ તા.10 ઓગષ્‍ટે વિશ્વ સિંહ દિવસની વન વિભાગ દ્રારા ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. એેવા સમયે જ ગીર સોમનાથ જીલ્‍લામાં ઉપરા છાપરી બે દિવસમાં એક સિંહણ અને એક સિંહનો મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષ જન્‍મયો છે. બે દિવસ પહેલા જીલ્‍લાના જામવાળા રેંજના ડોળાસા ગામના સીમ વિસ્‍તારમાંથી સિંહણનો મૃતદેહ મળયા બાદ વેરાવળ તાલુકાના મંડોર ગામએ હિરણ નદીના કાંઠેથી સિંહનો મૃતદેહ મળયો છે. જે વન વિભાગ સિંહોની કેવી સારસંભાળ રાખે છે તેની પોલ ખોલી રહયાની ચર્ચા પ્રાણી પ્રેમીઓમાં શરૂ થઇ છે. ત્‍યારે સિંહોના સંરક્ષણ પાછળ કરોડોના ખર્ચ પછી પણ સિંહો સલામત ન હોવાની લોકચર્ચા જોર પકડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...