અરજી ફગાવી:હત્યાના આરોપીએ નિકાહ માટે માંગેલા જામીન ફગાવી દેવાયા

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ પંપે યુવાનની હત્યાનો ગુનો નોંધાયો હતો

જૂનાગઢ શહેરમાં 3 વર્ષ પહેલાં એલસીબી કચેરીની સામે આવેલા પેટ્રોલ પંપે યુવાન પર ફાયરીંગ કરવા સાથે તેની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખનાર શખ્સે પોતાના નિકાહ માટે 15 દિવસના જામીન માંગ્યા હતા. જે કોર્ટે ફગાવી દીધા છે. જૂનાગઢમાં વર્ષ 2019 માં એલસીબી કચેરી સામે પેટ્રોલ ભરાવતા મહેબુબભાઇ નામના યુવાન પર ફાયરીંગ કરી છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં જમાલ જુસબભાઇ દલ (ઉ. 23) નામનો શખ્સ જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે છે. તેણે પોતાના નિકાહ માટે 15 દિવસના વચગાળાના જામીન માટેની અરજી કરી હતી.

જેમાં એવી દલીલ કરી હતી કે, અગાઉ તેને 4 દિવસના હંગામી જામીન પર મુક્ત કરાયા બાદ સમયસર હાજર થઇ ગયો હતો. હાલ તે 4 વર્ષથી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. તેની સગાઇ થઇ હતી. અને અટક થતાં નિકાહ બાકી રહી ગયા છે. પોતાના કહેવાતા સસરા હયાત નથી. અને સાસુ હવે લાંબુ સાચવી શકે એમ ન હોવાથી નિકાહ કરવા માટે 15 દિવસના વચગાળાના જામીન આપવામાં આવે.

આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે, તેણે હત્યાનો ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. આથી જામીન પર મુક્ત કરાય તો પ્રજાનો ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જશે. અને આરોપી આ ગુનાના ફરિયાદી અને સાહેદો સાથે યેનકેન ઝઘડો તકરાર કરી તેઓને લોભ પ્રલોભનમાં લઇ કેસના પુરાવાને મોટું નુકસાન કરે એવી પાકી દહેશત છે. આથી ત્રીજા એડી. સેશન્સ જજ બીના ચંદુભાઇ ઠક્કરે આરોપીની અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...