ઊનાળાની સીઝનમાં ગરમીના બદલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ માવઠું થયુ હોય ધરતીપુત્રોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. હજુ પણ બે દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે. બાદમાં પણ વધુ એક સિસ્ટમથી વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.હવામાન વિભાગનાં ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હાલ અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે.
આ માહોલ હજુ બે દિવસ સુધી જળવાઈ રહેશે. બાદમાં વાતાવરણ ચોખ્ખુ થશે. જો કે, 13 માર્ચ બાદ પણ એટલે કે માર્ચના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલ્ટો આવશે અને ફરી માવઠું થઈ શકે છે. જો કે, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલીમાં નહીવત અસર જોવા મળશે. અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર થઈ શકે છે. જેથી ખેડૂતોએ પણ રવિ પાક ખેતરમાં પડ્યો હોય તો તેમને સલામત જગ્યાએ પહોંચતો કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી સંભવીત માવઠાના નુકસાનથી તૈયાર પાકને બચાવી શકાય છે.
જૂનાગઢમાં ભારે પવનથી ધૂળની આંધી
જૂનાગઢમાં પણ 5 વાગ્યાની આસપાસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને ભારે પવન ફૂંકાયો હતો. આ પવનથી ધૂળની ડમરીઓ ઉડતા થોડીવાર માટે રસ્તાઓ અદ્રશ્ય થયા હોય એવુ જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.