પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી જ પ્રારંભ થતા શિવભક્તોમાં હરખની હેલી ચડી છે. જૂનાગઢ શહેર શિવમય બન્યું છે. હર હર મહાદેવ હરના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ શિવમંદિરમાં જઇ દર્શન, પૂજા કરી હતી. જ્યારે અનેક ભક્તોએ અભિષેક કરી કોરોનામાં મૃત્યું પામેલાઓને શ્રદ્ધાંજલી આપી હતી. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શહેરના તમામ શિવાલયોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ વિવિધ સુગંધીત દ્રવ્યોથી દેવોના દેવ મહાદેવને અભિષેક કર્યો હતો. અનેક શિવ મંદિરોમાં શિવલીંગને ફૂલોનો શણગાર કરાયો હતો જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શહેરના ભૂતનાથ મહાદેવ, મંગલધામ 3 સ્થિત મંગલેશ્વર મહાદેવ, દિપાંજલી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ, ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ,તળાવ દરવાજા સ્થિત જાગનાથ મહાદેવ, જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, ભવનાથ સ્થિત વસ્ત્ર પથેશ્વર મહાદેવ, મુચકુંદ મહાદેવ, જટાશંકર મહાદેવ સહિત અનેક શિવમંદિરોમાં વ્હેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શિવભક્તોએ જળ, દૂધ, દહિં, મઘ, શેરડીનો રસ, સાકર, કેસર, ઘી, ભાંગ, સરસવનું તેલ, કાળા તલ, ચોખા વગેરે દ્રવ્યોથી અભિષેક કર્યો હતો.
મંદિરો હર હર મહાદેવ હર, જય ભોલેનાથ, બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દરમિયાન અનેક પરિવારોએ કોરોનાની બીજી લહેરમાં પોતાના સગા, સબંધીને ગૂમાવ્યા હોય તેમના આત્માની શાંતિ માટે અભિષેક કરી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. મંદિરોમાં શિવલીંગને ફૂલોનો અનેરો શણગાર કરવામાં આવ્યો હતો જેના અદભુત દર્શનનો લાભ લઇ ભાવિકો ધન્ય બન્યા હતા. હવે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા, અર્ચના, મહા આરતી તેમજ વિવિધ શણગારોના ભાવિકો દર્શન કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.