બે સમુદાયના વચ્ચે તણાવ:વેરાવળમાં વાયરલ થયેલા વિવાદીત વીડિયોને લઈ બે સમુદાયના લોકો વચ્ચે તણાવ સર્જાયો, પોલીસે દોડી જઇ મામલો થાળે પાડ્યો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • મોડીરાત્રીના એસપી જાડેજા અને એએસપી જાટએ પોલીસના ધાડા ઉતારી બંન્ને સમુદાયના ટોળાને કાબુમાં લીધા
  • પોલીસે વાયરલ વીડિયોને લઈ ગુનો નોંધી બેની અટકાયત કરી

સંવેદનશીલ વેરાવળ શહેરમાં ગત મોડીરાત્રીના બે સમુદાયના લોકો વચ્ચે વાયરલ થયેલ એક વિવાદિત વીડિયોને લઈ તણાવ સર્જાયો હતો. જોકે, આની જાણ થતા એસપીએ પોલીસના ધાડા ઉતારી દઈ બંન્ને સમુદાયના ટોળાને કાબુમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. વિવાદિત વીડિયોને લઈ રાત્રીના જ પોલીસે બેની અટકાયત કરી ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા બન્ને સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તો બીજી તરફ શહેરની કોમી એકતા અને શાંતિને પલિતો ચાંપવા સક્રિય અસામાજિક તત્વોને ડામવા કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

હાલ રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં ગઈકાલે હનુમાનજયંતિ હોવાથી આસ્થાભેર ઉજવણી થઈ હતી. જેમાં ગઈકાલે વેરાવળના ચોક્કસ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા દરમિયાન બનેલા એક ધાર્મિક સ્થળની ટોચ પર ઝંડો ફરકાવાય રહ્યાનો વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ ગત મોડીરાત્રીના બે સમુદાય વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી અને બંન્ને સમુદાયના ટોળા એકત્ર થવા લાગ્યા હતા. જેની જાણ પોલીસને થતા જ એસપી મનોહરસિંહ જાડેજા, એએસપી ઓમપ્રકાશ જાટ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ત્વરીત જ પોલીસ સ્ટાફના ધાડા ઉતારી દઈ બંન્ને સમુદાયના ટોળાને કાબુમાં લઈ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ પેટ્રોલીંગ શરૂ કરાવી દીધુ હતુ. આમ પોલીસની સતર્કતાના લીધે કોઈ અનિચ્છનીય ઘટના ન બની હતી.

આ ઘટના અંગે એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો અંગે જાણ થતા જ માહોલ ન બગડે એટલે પોલીસે સ્થળ પર દોડી જઇ એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી મામલો કાબુમાં લીધો છે. આ વાયરલ વીડિયો અંગે ગુનો નોંધવાની સાથે બે યુવકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ સમાજના લોકો શાંતિ જાળવી પોલીસને સહયોગ આપે તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...