ચકચાર:સાવજ દૂધ સંઘ કબ્જે કરવા સાંસદ, પૂર્વ ભાજપ પ્રમુખ વચ્ચે ખેંચતાણ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાછળથી મતદાર યાદીમાં સાંસદનું નામ ઉમેર્યા હોવાના આક્ષેપથી ચકચાર

જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની ચૂંટણીને લઇને ભારે ગરમાવો આવી ગયો છે. આ ગરમાવો આવવાનું કારણ એ છે કે, સાવજ દૂધ સંઘ કબ્જે કરવા ભાજપના જ બેઉ બળીયા બાથે વળગીયા છે.ખાસ કરીને સાવજ દૂધ સંઘના વર્તમાન ડિરેકટર અને જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઇ જાવિયાએ વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમા સામે દૂધ સંઘને કબ્જે કરવાના સરા જાહેર આક્ષેપો કરતા સનસનાટી મચી જવા પામી છે. ઠાકરશીભાઇ જાવિયાએ જણાવ્યું હતું કે, આગામી 22 મેના સાવજ દૂધ સંઘની ચૂંટણી થવાની છે.

સરકારે અગાઉ દૂધ સંઘની ચૂૂંટણી જાહેર ન કરી અને કસ્ટોડિયન કમિટીની નિમણૂંક કરી હતી. આની સામે હાઇકોર્ટમાં રિટ થઇ હતી. બાદમાં હાઇકોર્ટે કસ્ટોડિયન કમિટી રદ કરી તાત્કાલીક ચૂંટણી કરવા આદેશ કર્યો હતો. દરમિયાન હાઇ કોર્ટના આદેશ મુજબ જૂની મતદાર યાદી પ્રસિદ્ધ કરી તે મુજબ ચૂંટણી કરવાની હતી. પરંતુ તેમાં અચાનક જ ખેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાનું નામ ઉમેરી દેવાયું છે. હાઇકોર્ટનો જૂની મતદાર યાદી મુજબ ચૂંટણી કરવાનો આદેશ હોવા છત્તાં નામ ઉમેરીને હાઇકોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરાયું છે.

ત્યારે પાછળથી રાતોરાત ઉમેરાયેલ આ નામ કમી કરવાની માંગ છે. આમ, ઠાકરશીભાઇ જાવિયાએ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સામે સરાજાહેર કરેલા આક્ષેપોથી સનસનાટી મચી જવા પામી છે. ત્યારે ભાજપના જ બે દિગ્ગજ નેતા વચ્ચે ચાલતા વિવાદ- વિખવાદને લઇ રાજકારણ ગરમાયું છે અને ભાજપની છબી પણ ખરડાઇ છે. ત્યારે 22 મેના રોજ થનારી ચૂંટણી પહેલા આ મામલે ભાજપ મોવડી મંડળ ડેમેજ કન્ટ્રોલ કરવા કવાયત કરી ઘીના ઠામમાં ઘી પાડી શકશે કે દૂધ સંઘને કબ્જે કરવાની આ લડાઇ વધુ તેજ બનશે તે તો આવનારો સમય જ બતાવશે.

કઇ રીતે ફેરફાર કરાયો છે?
જિલ્લા દૂધ સંઘની ચૂંટણી 21 ઓકટોબરના મતદાર યાદીના આધારે કરવાની હતી. તેમાં જણાવેલ વર્ગ અને નામ માન્ય હતા. બાદમાં 28 એપ્રિલના બીજી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. તેમાં માળીયા હાટીના ખેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉકાભાઇ ભાદરકાનું નામ હતું. જ્યારે 3 મેના આખરી યાદી બહાર પડી તેમાં ઉકાભાઇ ભાદરકાના બદલે રાજેશભાઇ ચુડાસમાનું નામ દાખલ કરી દીધું અને ઓડિટ વર્ગ ક હતો તે બદલીને બ કરી દીધો છે. - ઠાકરશીભાઇ જાવિયા, સાવજ દૂધ સંઘના ડિરેકટર.

3 વર્ષથી મતદાર થયો છું
રાતોરાત મારૂં નામ ઉમેરી દેવાયાના કરાયેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. હું તો છેલ્લા 3 વર્ષથી મતદાર થયો છું. જોકે, આ મામલે કોઇ ગેરસમજ થઇ હોવાનું અથવા કોઇએ ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાઇ રહ્યું છે. માટે આ વાતને લઇને વાતચિત ચાલુ છે. સામે પણ ભાજપના જ અગ્રણી છે, મતલબ ઘરનો મામલો છે એટલે પાર્ટીના લોકો સાથે બેસીને આ ગેરસમજણનો નિવેડો લાવવામાં આવશે. - રાજેશભાઇ ચુડાસમા,સાંસદ, જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...