તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીચાણવાળા વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ગીર-સોમનાથમાં 'તાઉ-તે'એ ઘરનું ઘર છોડાવ્યું, ભારે હૈયે કોરોનાના ડર વચ્ચે લોકો માથે પોટલાં અને કાંખમાં છોકરાં સાથે હિજરત કરવા મજબૂર

વેરાવળ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
માથે પોટલાં અને કાંખમાં છોકરાં સાથે લોકો હિજરત કરી રહ્યા છે.
  • લોકોએ ઝૂંપડપટ્ટીને તાલપત્રી બાંધી ઘરવખરી પલળે નહીં એ માટે વ્યવસ્થા કરી હતી

'તાઉ-તે' વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર પર સરકાર દ્વારા સતત તંત્ર સાથે મોનિટરિંગ કરી લોકોને અલર્ટ રહેવા સૂચના આપવામાં આવી રહી છે, જેમાં ખાસ કરી દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું સિગ્નલ લાગતાં લોકોને સાવચેત રહેવા અને સ્થળાંતર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથમાં ગઇકાલ સાંજ સુધીમાં 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એ બાદ આજે ત્રિવેણી રોડ પરના ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોનાના ડર વચ્ચે વાવાઝોડાએ લોકોને ઘરનું ઘર છોડવા મજબૂર કર્યા છે. લોકો માથે પોટલા અને કાંખમાં છોકરાં લઇ દહેશત વચ્ચે સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે.

લોકો પગપાળા સલામત સ્થળે જતા નજરે પડ્યા
આજે વહેલી સવારે દરિયાઇ વિસ્તારમાં 10 નંબરનું મહાભય સિગ્નલ આપવામાં આવતાં તંત્ર દ્વારા સોમનાથના ત્રિવેણી રોડ પર આવેલી 35 જેટલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા 100થી વધુ પરિવારોનું સોમનાથ સંસ્કૃતિ ભવન ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સમયે દિવ્ય ભાસ્કરની ટીમ પણ સ્થળ પર તંત્રની સાથે પહોંચી હતી, જ્યાં લોકો સવારના સમયે પોતાનાં પહેરવાનાં કપડાં અને જરૂરી વસ્તુનાં પોટલાં બાંધી તૈયાર કર્યા હતા અને ઝૂંપડપટ્ટીને તાલપત્રી બાંધી ઘરવખરી પલળે નહીં એ માટે વ્યવસ્થા કરી હતી. લોકો પોતાનાં નાનાં બાળકો કાંખમાં લઇ અને માથે પોટલાં તેમજ હાથમાં થેલા લઇ પગપાળા સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા.

લોકો જરૂરી સામાન સાથે સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે.
લોકો જરૂરી સામાન સાથે સુરક્ષિત સ્થળે પહોંચી રહ્યા છે.

પોલીસને સાથે રાખી સ્થળાંતર કામગીરી
મામલતદાર ચાંદેગરાના જણાવ્યા મુજબ, સરકારની સૂચના મુજબ સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે. જેમને રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, સાથે જ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી લોકોને સહીસલામત રીતે પોલીસને સાથે રાખી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

પોલીસ સાથે રાખી સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ સાથે રાખી સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે.

રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત
ગીર-સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની સંભાવના છે, ત્યારે જાન-માલની નુકસાનની ભીતિ થાય તેવાં કાચાં મકાનો અને ઝૂંપડાંમાં રહેતા 3,073 લોકોનું સુરક્ષ‍િત સ્‍થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં વેરાવળ તાલુકાના 332 લોકો, સુત્રાપાડા તાલુકાના 328 લોકો, કોડીનાર તાલુકાના 671 લોકો અને ઉના તાલુકાના 1,742 લોકોને કોવિડ ગાઇડલાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યે વધુ લોકોનું સ્થળાંતર કરવા તંત્રએ તૈયારી કરી છે. આ સ્‍થળાંતર કરાયેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે. જેના નં.02876-285063, 285064 છે.

ઝૂંપડાને તાલપત્રી બાંધી લોકો નીકળ્યા.
ઝૂંપડાને તાલપત્રી બાંધી લોકો નીકળ્યા.