તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમનાથના દરિયાકાંઠેથી દિવ્ય ભાસ્કર LIVE:વાવાઝોડું દિવ લેન્ડ થવાનું હોવાથી ઉના અને ગીરગઢડા ડેન્જર ઝોનમાંઃ ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર

વેરાવળ4 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કોરોનામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો તો વાવાઝોડાએ ફરી શ્વાસ અધ્ધર કરી દીધા
  • રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત, જેના નં.02876-285063, 285064 છે

ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશએ જણાવ્યું છે કે, વાવાઝોડું દિવ લેન્ડ થવાનું હોવાથી ઉના અને ગીર ગઢડા ડેન્જર ઝોનમાં છે. ઉના અને ગીર-ગઢડામાં કોઇ જાનહાનિ ન થાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડાના ખતરા સામે પડકાર હતો. કોવિડ દર્દીઓને અગવડતા ન પડે માટે 4 દિવસ ચાલે તેટલો ઓક્સિજન જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો છે. 4થી વધુ હોસ્પિટલના બિલ્ડીંગ જોખમી હોવાથી તે બિલ્ડીંગના દર્દીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 9 માસ પુરા થયા હોય તેવી સગર્ભા મહિલાઓની યાદી તૈયાર કરી તમામને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે. ગીરસોમનાથમાં કુલ 100 બેડ પૈકી 94 બેડ પર દર્દી સારવાર લઇ રહ્યાં છે અને 50 જેટલા દર્દી હોમ આઈસોલેટ છે. વાયુ વાવાઝોડા કરતા તાઉ-તે વાવાઝોડું ગંભીર છે માટે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છેલ્લા 48 કલાકથી છે.

વાવાઝોડાના ભણકારા વચ્ચે લોકોના શ્વાસ અધ્ધર
​​​​​​​
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'તાઉ-તે' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ વેરાવળ બંદર પર પહોંચી ત્યારે વાવાઝોડાની અસર જોવા મળી છે. બંદર પર વાવાઝોડાના ભણકારા વાગી રહ્યા છે તેમજ લોકોમાં શ્વાસ અધ્ધર થઇ જાય એવો ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. વેરાવળ બંદર પર તોફાની પવન ફૂંકાય એવી દહેશત લોકોમાં છે. બંદરની આજુબાજુ કાચાં ઝૂંપડાંમાં રહેતા લોકોનું સ્થળાંતર ચાલી રહ્યું છે, પરંતુ એ પહેલા દરેક લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.

રેપિડ ટેસ્ટ સાથે લોકોનું સ્થળાંતર
ગીર-સોમનાથ- વેરાવળ બંદર પર ખૂબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું વેરાવળ બંદરની ઉત્તર તરફનો કિનારો ઓળંગવાની શક્યતા છે, આથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થશે. કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા થોડા દિવસોથી ગીર- સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગઇકાલે 158 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા.

લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી.
લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી.

24 ગામના 12 હજાર લોકોનું સ્થળાંતર
ગીર-સોમનાથના દરિયાકિનારાનાં 24 ગામોના લગભગ 12 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની સંભવતઃ ફરજ પડી શકે છે. જોકે સ્થળાંતર પહેલાં આ લોકોનું રેપિડ કિટ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરાયું છે, જેમાં જે-તે દરિયાકાંઠાનાં ગામોની આશાવર્કરો ઘરે ઘરે જઈ શંકાસ્પદ લોકોને શોધી તેમના ગામના કેન્દ્ર ખાતે ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. જે લોકો કોરોનાગ્રસ્ત હશે તેને કોવિડ સેન્ટર અને અન્ય લોકોને સ્કૂલ અથવા સાઇક્લોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવાની તંત્રએ કવાયત હાથ ધરી છે.

વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું.
વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લાગ્યું.

10 કિ.મી.ની હદમાં આવતાં 99 ગામોને અલર્ટ કરાયાં
ગીર-સોમનાથ જિલ્‍લામાં દરિયાકિનારાના 10 કિ.મી.ની હદમાં આવતાં 99 ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે, જેમાં વેરાવળ તાલુકાનાં 28 ગામો, સુત્રાપાડા તાલુકાનાં 17 ગામો, કોડીનાર તાલુકાનાં 20 ગામો અને ઉના તાલુકાનાં 34 ગામોનો સમાવેશ થાય છે. વાવાઝોડાની દહેશતને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડની અસરકારક કામગીરી જોવા મળી રહી છે. વેરાવળ, માંગરોળ સહિત દીવનાં બંદરોની ફિશિંગ બોટને સુરક્ષિત બંદર પર લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્રણ દિવસથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના જવાનો દ્વારા રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. 8500થી વધુ ફિશિંગ બોટોને બંદર પર લવાઈ છે. માછીમારોને બે દિવસ દરિયામાં ન જવા સૂચના અપાઇ છે.

અધિકારીઓ નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા.
અધિકારીઓ નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા.

રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત
ગીર-સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની સંભાવના છે, ત્યારે જાન-માલની નુકસાનની ભીતિ થાય એવાં કાચાં મકાનો અને ઝૂંપડાંમાં રહેતા 3,073 લોકોનું સુરક્ષ‍િત સ્‍થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં વેરાવળ તાલુકાના 332 લોકો, સુત્રાપાડા તાલુકાના 328 લોકો, કોડીનાર તાલુકાના 671 લોકો અને ઉના તાલુકાના 1,742 લોકોને કોવિડ ગાઇડલાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડ્યે વધુ લોકોનું સ્થળાંતર કરવા તંત્રએ તૈયારી કરી છે. આ સ્‍થળાંતર કરાયેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં રાઉન્‍ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા છે, જેના નં.02876-285063, 285064 છે.