ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવે ઉપરની ટાયર પંચરની દુકાનોની બહાર પડેલ જુના ટાયરોની ચોરી કરતી ત્રણ સભ્યોની ગેંગને જીલ્લાની તાલાલા પોલીસે ઝડપી લઇ ટાયર ચોરી રેકટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના ત્રણેય સભ્યોના કામ ઘંઘા મંદા પડતા આવક ન હોવાથી ચોરીના રવાડે ચડયા હતા અને છેલ્લા અઢી માસમાં 29 જેટલી દુકાનોમાંથી 350 થી વઘુ જુના ટાયરોની ચોરી કરી તેને વેંચી માર્યાનું રેકેટ શાતિરતા પૂર્વક ચલાવતા હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ચોરીઓની ઘટનામાં ઉપયોગ કરતા તેમના છોટા હાથી વાહન નેત્રમ સીસીટીવીમાં આવી જતા તેના થકી આ ગેંગ સુઘી પહોંચવામાં સફળ થઇ હતી.
તાલાલા પોલીસે કરેલ ચોરી રેકટના પર્દાફાશ અંગે એએસપી ઓમપ્રકાશ જાટે માહિતી આપતા જણાવેલ કે, બેએક દિવસ પહેલા તાલાલામાં જાહેર માર્ગ ઉપર આવેલ ગુરૂકૃપા ટાયર નામની પંચરની દુકાન બહાર રાખેલ 40 થી વઘુ જુના ટાયરોની રાત્રી દરમ્યાન ચોરી થઇ હતી. જે અંગે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ઘરેલ જેમાં નેત્રમ સીસીટીવી અને સર્વેલન્સના ડેટા ખંગાળતા જીજે 01 ડીટી 9308 નંબરવાળુ એક છોટા હાથી જેવું મેટાડોર વાહન સાસણથી જુનાગઢ તરફ જતુ જોવા મળતા તે શંકાના ઘેરામાં આવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ ટીમએ સીસીટીવીના આધારે મેટાડોર જેવા છોટા હાથી વાહન અંગે પોકેટ કેપ સોફટવેરમાં તપાસતા નંબર અને માલીકની માહિતી મળી હતી. જેના આઘારે તેનો સંપર્ક કરી તેઓ પાસેથી વાહન ખરીદનાર લોકો સુઘી પહોંચીને (1) મહેન્દ્ર ઉર્ફે લખન જેન્તી વડેસરા રહે.ઢેબર ફળીયા, એમજી રોડ- જુનાગઢ, (2) અજય ઉર્ફે સલમાન ભરત પંડયા રહે.મકબુલશાહ એપાર્ટમેન્ટ, કાળવાચોક-જુનાગઢ, (3) એઝાઝ યુસુફ પંજા રહે.ખામઘ્રોળ રોડ, ફાર્મસી પાછળ-જુનાગઢ વાળઓને ઝડપી લીઘા હતા. બાદ ત્રણેયની આગવી ઢબે પુછપરછ કરતા સૌરાષ્ટ્ર વ્યાપી જુના ટાયરોની ચોરીના રેકટનો પર્દાફાશ થયો હતો.
વઘુમાં આ ત્રણેય આરોપીઓ પૈકીના બે પ્લાસ્ટરની મજુરી કામ કરતા હતા અને એક ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતો. હાલ ત્રણેયના ધંધા બંધ થઇ ગયા હોવાથી કોઇ આવક ન હોવાથી ચોરીના રવાડે ચડયા હતા. જેમાં ત્રણેયએ સાથે મળી પ્રથમ છોટા હાથી જેવું વાહન ખરીદી કર્યુ હતુ. બાદમાં છાશવારે રાત્રીના દસ વાગ્યા પછી જુનાગઢથી નિકળીને રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લાના રસ્તાઓ ઉપર ફરતા હતા. જેમાં રસ્તામાં કયાંય પંચરોની દુકાન બહાર પડેલા જુના ટાયરોની ચોરી કરી પરત જુનાગઢમાં એક બંધ ગોડાઉનમાં સાચવી રાખી બાદમાં પોરબંદરમાં પ્રતિ એક ટાયર એકાદ હજારની કિંમતે વેચતા હતા. આ ત્રણેય તસ્કરો શાતિરતાપૂર્વક કોઇને ચોરીની ગંઘ ન આવે તે માટે જે દુકાન બહાર ચોરી કરે ત્યાં પડેલા મોટી સંખ્યામાં ટાયરોની ચોરી કરવાના બદલે અમુક જ જુના ટાયરો ચોરતા હતા. દરરોજ રાત્રીના વાહનમાં ભરાય તેટલા ટાયરો ચોરી કરી મોડીરાત્રીના જુનાગઢ પરત આવી જતા હોવાનું એએસપી જાટએ વઘુમાં જણાવેલ હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ ત્રણેય તસ્કર આરોપીઓએ છેલ્લા અઢી મહિનામાં સૌરાષ્ટ્રભરમાં 29 જેટલી દુકાનોને નિશાન બનાવી જુના ટાયરોની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાં જુનાગઢ શહેર-તાલુકામાંથી 7, જેતપુર શહેર-તાલુકામાંથી 6, ગોડલમાંથી 2, મેંદરડામાંથી ૩, પ્રભાસપાટણમાંથી 2, વંથલીમાંથી 3, કેશોદ, ભેંસાણ, વિસાવદર, બીલખા, બગસરા અને માંગરોળમાંથી 1-1 મળી કુલ 29 સ્થળોએથી અંદાજીત 350 જેટલા જુના ટાયરોની ચોરી કર્યાની કબુલાત કરી હોવાનું તાલાલા પીએસઆઇ પી.જે.બાંટવાએ જણાવેલ છે. આ ત્રણેય તસ્કરો પાસેથી છોટાહાથી વાહન, ચોરેલા 42 જુના ટાયરો અને મોબાઇલ મળી કુલ રૂ.1.47 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ પર્દાફાશમાં જુનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતિક મશરૂ, તાલાલાના એલ.બી.બાંભણીયા, હે.કો.જોરસંગભાઇ પરમાર, ગોપાલ મકવાણા, ઘવલ મહેતા, મહેશ સોસાએ ફરજ બજાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.