તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા રહી ગયું, ઈટાલી લઈ ગયું:ગીરની પ્રખ્યાત કેસર કેરીની પ્રથમવાર દરિયાઈ માર્ગે નિકાસ, 14 ટન કેરી મુન્દ્રા પોર્ટથી ઈટાલી પહોંચશે

વેરાવળ24 દિવસ પહેલાલેખક: રવિ ખખ્ખર
નિકાસ માટે ખાસ તૈયાર કરાયેલાં કેસર કેરીનાં બોક્સ.
  • ચાલુ વર્ષે ઈટાલી સહિતના યુરોપિયન દેશોમાં 100 ટન કેરીની નિકાસનો અંદાજ
  • પેક હાઉસમાં અનેક પ્રોસેસમાંથી પસાર કરાયા બાદ કેરીની નિકાસ થાય છે

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો સુધી ફેલાયેલી છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પણ વિશ્વના લોકોનું કેસર કેરી પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી. કોરોના મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે ઈટાલી સહિત યુરોપિયન દેશોમાં 100 ટન કેસર કેરીની નિકાસ થવાનો અંદાજ છે. તાજેતરમાં જ તાલાલા-ગીરથી 14 ટન કેસર કેરીની ઈટાલીમાં નિકાસ કરવામા આવી છે. આ વર્ષે પ્રથમવાર એરકાર્ગોના બદલે શિપ મારફત નિકાસ કરવામા આવી છે. મુન્દ્રા બંદરેથી દરિયાઈ માર્ગે કેસર કેરીનું કન્ટેનર 25 દિવસ બાદ ઈટાલી પહોંચવાનો અંદાજ છે.

પેક હાઉસમાં કેરીને સાઇઝ અને વજન મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.
પેક હાઉસમાં કેરીને સાઇઝ અને વજન મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે.

આ વર્ષે ટેક્નિકલ કારણોસર જાપાન અને અમેરિકામાં નિકાસ ના થઈ
તાલાલા મેંગો માર્કેટના સેકેટરી એચ.એચ. જારસાણિયાએ જણાવ્યું હતું કે ગીરની કેસર કેરીની અમેરિકા અને જાપાનમાં ડિમાન્ડ હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ટેક્નિકલ કારણોસર આ દેશોમાં કેરીની નિકાસ થઈ શકી નથી. જોકે ઈટાલીમાં મોકલાયેલી કેરી ત્યાંના લોકોને પસંદ પડતાં માગ વધી છે, જેથી 10 દિવસ બાદ બીજું કન્ટેનર મોકલવાની પણ તૈયારી કરાઈ છે.

'યોગ્ય માર્કેટિંગ થાય તો યુરોપના દેશોમાં રેકોર્ડબ્રેક માગ વધી શકે'
ઇટાલીથી ગીરની કેસર કેરીની ડિલિવરી લેવા ગીર પહોંચેલા મૂળ યુપીના અલાહાબાદના વતની અને હાલ ઇટાલીમાં રહી વેપાર કરતા એક્સપોર્ટર વિજય સહાયે જણાવ્યું હતું કે પ્રથમ વખત ભારત દેશના તાલાલા-ગીર વિસ્‍તારમાંથી દરિયાઇ માર્ગે કેસર કેરી ઇટાલી પહોંચી રહી છે. ગીરની કેસર કેરીની કિંમત ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં ખૂબ વધારે મળે છે. ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં કેસર કેરીની જબરી માગ છે. ગીરની કેસર કેરીનું સારું માર્કેટિંગ કરવામાં આવે તો ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં અંદાજે 100 ટનથી વધુ કેરીની ખપત થઇ શકે એવું માર્કેટ મળી શકે છે.

કન્‍ટેનરમાં કેરી બોકસ લોડ કરવામાં આવે છે.
કન્‍ટેનરમાં કેરી બોકસ લોડ કરવામાં આવે છે.

ઈટાલી સહિતના દેશોમાં 100 ટન કેરી પહોંચશે
વિજય સહાયે જણાવ્યું હતું કે અત્‍યારસુધીમાં 5 કન્‍ટેનરમાં 75 ટન કેસર કેરી મોકલવામાં આવી રહી છે. કેસર કરી અન્‍ય દેશોમાં ઇટાલીના રસ્‍તે જ મોકલવામાં આવે છે, કારણ કે ઇટાલી મુખ્‍ય વિતરણ સેન્‍ટર હોવા ઉપરાંત ભારતના મુંદ્રા બંદરથી સૌથી નજીકનું બંદર છે. ત્‍યાંથી સ્‍વિટ્ઝર્લેન્‍ડ, ફ્રાન્‍સ, જર્મની, ઓસ્‍ટ્રિયા સહિતના યુરોપિયન દેશોમાં મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે અમારે તાલાલા-ગીર પંથકમાંથી 300થી 400 ટન કેસર કેરી ખરીદી નિકાસ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ તાલાલામાં આવેલા વાવાઝોડાને કારણે આ વખતે 100 ટન જેટલી જ કેસર કેરીની ખરીદી કરી નિકાસ કરી શકીશું.

એપેડાની પ્રોસેસ બાદ જ નિકાસ કરી શકાય છે
ગીરની કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવું આસાન નથી, કારણ કે ઘણા નિયમોનું પાલન કરવા કેરીને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવી પડે છે. જે અંગે કેસર કેરીના એક્સપોર્ટર અંજુમભાઇના જણાવ્યું હતું કે તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત વીરપુર ગીર ખાતે રૂ.4 કરોડ 60 લાખના ખર્ચે પેક હાઉસ નિર્માણ કરાવ્યું છે. આ પેક હાઉસમાં પ્રોસેસ થયેલી કેસર કેરી વિદેશોમાં નિકાસ થાય છે. એ મુજબ ખેડૂતોના બગીચાઓમાંથી કેસર કેરીને લવાયા બાદ એની પ્રોસેસ કરવામાં આવે છે, જેમાં પ્રથમ કેરીના જથ્‍થાને તાલાલા મેંગો માર્કેિંગ યાર્ડના મેંગો પેક હાઉસમાં લાવવામાં આવે છે, જ્યાં કેસર કેરીને જોખવામાં આવે અને ત્યાર બાદ એને વોશ કરી પ્રી-કૂલિંગ-વોશિંગ ક્લિનિંગ ઉપરાંત જરૂરી કેમિકલ પ્રોસેસિંગ કરવામાં આવે છે. ત્‍યાર બાદ કેરીને એની સાઇઝ અને વજન મુજબ અલગ કરવામાં આવે છે. એ મુજબ 200 ગ્રામથી વધુ વજન ધરાવતી કેરીને અલગ કરાયા બાદ એને બોકસમાં ભરવામાં આવે છે. ત્યાર બાદ કોલ્ડસ્ટોરેજમાં ફૂલિંગમાં નોર્મલી ઠંડી કરવામાં આવે છે.

પેક હાઉસમાં કેરીને વોશ ક્લિનિંગ કરવાનું ચાલી રહેલું કામ.
પેક હાઉસમાં કેરીને વોશ ક્લિનિંગ કરવાનું ચાલી રહેલું કામ.

ત્યાર બાદ કેરીને 23 ડીગ્રી ટેમ્પરેચરમાં ઠંડી કરવામાં આવે છે. ત્યાર બાદ કેસર કેરીના બે-ત્રણ અને ચાર કિલોના આકર્ષક 15 હજાર બોક્સ વીરપુર-ગીર ખાતેના પેક હાઉસમાં તૈયાર કરવામાં આવ્યા હતા. 14 ટન કેરીના તૈયાર થયેલાં બોક્સ વીરપુર-ગીરથી સંપૂર્ણ સુવિધાથી સજ્જ અદ્યતન કન્ટેનર મારફત મુન્દ્રા પોર્ટ પર રવાના કરી ત્‍યાંથી ઇટાલી મોકલવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...