તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડું બન્યું વિલન:તાલાલ ગીર પંથકની કેરીની સીઝન ત્રણ દિવસ વહેલી પૂર્ણ, ગત વર્ષની તુલનાએ 1 લાખ બોક્સની આવક ઘટી

તાલાલા6 દિવસ પહેલા
તાલાલા મેંગો માર્કેટીંગ યાર્ડમાં થયેલ હરરાજીની તસ્‍વીર
  • ચાલુ વર્ષે તાલાલ માર્કેટ યાર્ડમાં 5 લાખ 81 હજાર કેરીના બોક્સની આવક
  • ખેડૂતોને ચાલુ વર્ષે 300 થી 800ના પોષણક્ષમ ભાવ મળ્યા

ગીર પંથકના અમૃતફળ તરીકે વિશ્વમાં પ્રખ્‍યાત કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચાલુ વર્ષે કેરીની સીઝન તાઉતે વાવાઝોડાના કારણે કેરીની આવક ઘટી હોવાથી આજે ત્રણ દિવસ વહેલી પૂરી થઈ ગઇ છે. ગત વર્ષે 37 દિવસ સીઝન ચાલેલ અને 6.88 લાખ કેરીના બોકસની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે 33 દિવસ ચાલી છે અને 5.81 લાખ જેટલા કેસર કેરીના બોકસની આવક થઇ છે. આમ, કેસર કેરીની આવકમાં ચાલુ વર્ષે 1 લાખ બોકસનું ગાબડું નોંધાયું છે. જયારે આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવ પણ ગત વર્ષ કરતા નીચા ગયા છે.

તાલાલા ગીર પંથક અમૃતફળ ગણાતી કેસર કેરી વિશ્વમાં પ્રખ્‍યાત હોવાથી તેની માંગ વઘુ પ્રમાણમાં રહે છે. પરંતુ ચાલુ વર્ષે કેસર કેરીના પાકને જાણે નજર લાગી હોય તેમ કલાઇમેન્‍ટ ચેન્‍જની અસરોના કારણે સીઝન શરૂ થાય તે પૂર્વે જ 40 ટકા જેવો પાક નિષ્‍ફળ ગયો હતો. બાદ ગત મે માસથી કેરીની સીઝન શરૂ થયા બાદ આવેલ તાઉતે વાવાઝોડાએ આંબાના બગીચાઓને તથા કેરીના પાકને વ્‍યાપક નુકસાન પહોચાડયુ હોવાના પગલે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક ઘટતા યાર્ડ દ્રારા ચાલુ વર્ષે ત્રણ દિવસ વ્‍હેલી સીઝન પુર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જાણસણીયાએ જણાવેલ કે, ચાલુ વર્ષે કેરીનું ઉત્‍પાદન મહદઅંશે ઓછુ હોવાથી ખેડૂતોને ભાવ સારા મળવાની આશા હતી પરંતુ કુદરતની દ્રષ્‍ટી કંઇ જુદી હોય તેમ તાઉતે વાવાઝોડુ આવતા 90 ટકા સુઘી કેરીઓ આંબામાંથી ખરી પડી હતી. ત્‍યારબાદ 10 ટકા જેવી કેરી બચી ગયેલ તે હરરાજીમાં આવી હતી. જો કે, કુદરતી બેવડા મારને લીઘે કેસર કેરીની આવક ઘટી હોવાથી ચાલુ વર્ષે સીઝન 33 દિવસ જ ચાલી છે. ચાલુ વર્ષે કેરીના સરેરાશ ભાવ રૂ.355 રહયા છે. જયારે ચાલુ વર્ષે કેરીના 5.81 લાખ હજાર બોકસની આવક થઇ છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેસર કેરીના 1 લાખ બોકસની આવક ઘટી છે.

સેક્રેટરીના મતે કેરીનું ઉત્‍પાદન ઓછુ હોવા છતાં (10 કીલો કેરીના બોકસના સરેરાશ 300 થી 800 સુઘી) ખેડૂતોને સારા એવા પોષણક્ષમ ભાવો મળયા છે. છેલ્‍લા દસ વર્ષથી કુદરતી આફતો અને ગ્‍લોબલ વોર્મીગની અસરોના કારણે કેરીનું ઉત્‍પાદન દર વર્ષે ઘટી રહયુ છે. તેમ છતાં ચાલુ વર્ષે કેસર કેરીની સીઝન યાર્ડમાં વેપાર કરતા વેપારીઓ, એજન્‍ટો અને ખેડૂતો માટે એકંદરે સારી રહી હોવાનું મારૂ અંગત માનવું છે.

તાલાલા યાર્ડમાં કેરીના બોકસની થયેલ અાવક
તાલાલા યાર્ડમાં કેરીના બોકસની થયેલ અાવક

વઘુમાં સેક્રેટરી હરસુખભાઇએ જણાવેલ કે, છેલ્‍લા પાંચ વર્ષમાં કેસર કેરી ઉત્‍પાદનના મઠા વિસ્‍તાર તરીકે ઉભરી આવેલ જામવાળાથી જાફરાબાદ- રાજુલા સુઘીના વિસ્‍તારમાં ચાલુ વર્ષે આવેલ તાઉ-તે વાવાઝોડાના કારણે આંબાઓ સંપૂર્ણ નેસ્‍ત નાબુદ થઇ ગયા છે. આ વિસ્‍તારમાંથી ઉત્‍પાદન થતી કેસર કેરી મોટાભાગે ગોંડલ અને રાજકોટ વિસ્‍તારમાં વેંચાણ અર્થે જતી હતી. જામવાળા-જાફરાબાદ વિસ્‍તારમાં આંબાને થયેલ મોટા નુકસાન સામે તાલાલા ગીર પંથકના આંબાઓને 10 ટકા જેવું જ નુકસાન થયુ છે. જેના કારણે આગામી સીઝનમાં ગોડલ-રાજકોટ વિસ્‍તારમાં જામવાળા-જાફરાબાદ પંથકની કેરી મળે તેવે સંજોગા દેખાતા નથી જેથી તે બંન્‍ને શહેરના લોકોને તાલાલા ગીર પંથકની કેરી ખરીદી કરવી પડશે. જેથી આગામી સીઝનમાં તાલાલા ગીર પંથકની કેસર કેરીની માંગ વઘશે અને કેરીની સીઝનની દ્રષ્‍ટીએ સારૂ રહેશે તેવું લાગી રહયુ છે.

અન્ય સમાચારો પણ છે...