રજૂઆત:ઘેડમાં થયેલ નુકસાનીનો સર્વે કરાવી પેકેજ જાહેર કરો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ધારાસભ્યે સ્થળ મુલાકાત લઇ માંગ કરી

છેલ્લા 2 દિવસથી ઘેડ પંથકમાં વધુ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. આ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન મનિષભાઇ નંદાણીયા વગેરેએ ઘેડપંથકમાં જાતે જઇ ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ ઘેડ પંથકમાં હવાઇ નિરીક્ષણ કર્યું નથી. ત્યારે અમે જાતે જઇ ખેડૂતોને થયેલ નુકસાન અંગે માહિતી મેળવી છે.

આ મામલે સરકાર પાસે માંગ છે કે, જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું સરકાર સર્વે કરાવે અને થયેલ નુકસાનીનું સત્વરે વળતર આપે. આ તકે સરકાર દ્વારા તાત્કાલીક રાહત પેકેજ જાહેર કરવાની પણ માંગણી કરાઇ હતી. ભારે વરસાદમાં જ્યાં વાહન પણ જઇ શકતા નથી એવા ગામોમાં પગપાળા જઇને પણ ખેડૂતોની હાલાકીને નજરો નજર નીહાળી છે. ત્યારે સરકાર આ ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા સત્વરે સહાય કરે તે જરૂરી છે. આ તકે અશ્વિનભાઇ ખટારીયા, સમીરભાઇ પાચાણી, હમીરભાઇ ધૂળા, ધર્મિષ્ઠાબેન કમાણી, રિધમભાઇ ગોસ્વામી, જયદિપભાઇ શિલુ તેમજ સરપંચો,ગામના આગેવાનો પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...