ક્રાઇમ:પોલીસે ગુનાની તપાસમાં માર મારતાં યુવાનનો આપઘાત

કેશોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017 ના હત્યા કેસમાં અટક અને પુછપરછ કરાતી હતી
  • કેશોદના મઘરવાડાનો બનાવ
  • મૃતકના પેનલ પીએમની અને કર્મી સામે ગુનો નોંધવા માંગ

કેશોદનાં મઘરવાડા ગામે પાતાળ કુવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ગ્રામજનોએ પેનલ પીએમ કરવા માંગ કરી હતી. આ યુવાનને એક હત્યા કેસમાં પોલીસ દ્વારા પુછપરછ કરી સતત માર મારવામાં આવતો હોઇ તેની વિરૂધ્ધ ફરીયાદ કરવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી.

મૃતક યુવાન
મૃતક યુવાન

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે બપોરે લાખાભાઇ હેરભા ગામને પાણી આપવાનું કામ કરતાં હતા. તેઓ બપોરના સમયે પાતાળ કુવે પહોંચતાં તેમણે કુવામાં એક મૃતદેહ તરતો જોયો હતો. જે તેમના પુત્ર નવનીતનો હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેમણે ગામલોકોને આ વાત કરી હતી. દરમ્યાન નવનીતને એક હત્યા કેસમાં પોલીસ દ્વારા ગુનો કબુલી લેવા વારંવાર માર મારવામાં આવતો હોવાને લીધેજ તેણે આપઘાત કર્યો હોવાની વાત બળવત્તર બની હતી. આથી જ્યાં સુધી એસપી ન આવે ત્યાં સુધી સ્થાનીક પોલીસને મૃતદેહ બહાર ન કાઢવા જણાવ્યું હતું. જોકે, આ કુવો ગામલોકોને પાણી પુરૂં પાડતો હોઇ પોલીસે ગામલોકોને સમજાવી મૃતદેહ બહાર કાઢી કેશોદ હોસ્પિટલે ખસેડ્યો હતો.

ગામલોકોએ મૃતકનું પેનલ પીએમ કરાવવા તેમજ માર મારનાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવા હોસ્પિટલે પહોંચ્યા હતા. હોસ્પિટલે ઉપસ્થિત ગામલોકોએ જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી મૃતદેહ ન સંભાળવા જીદ પકડી હતી. જોકે, ગામના બીજા 4 થી વધુ યુવાનોને પણ પોલીસે ઢોર માર માર્યો હોઇ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રેપ વીથ મર્ડરનો મામલો છે, લોહીના નમુના લીધા છે : એસપી
3 વર્ષ પહેલાંના ગુનામાં રેપ વીથ મર્ડર થયું તેની તપાસ છે. અમે શકમંદોના લોહીના નમુના લઇને એફએસએલમાં મોકલ્યા ત્યારથી તેઓને વાંધો પડ્યો છે. આ પોલીસ પર પ્રેશર વધારવાની રીત છે. એકપણ કાર્યવાહી ખોટી નથી. - વાસમશેટ્ટી રવી તેજા, એસપી

પેનલ પીએમની માંગ સ્વિકારી: ડિવાયએસપી
કેશોદ ડિવાયએસપી જે. બી. ગઢવીએ જણાવ્યું હતું કે, ગ્રામજનોએ પોલીસ વિરૂદ્ધ ગુનો નોંધવાના માંગ કરી છે. ત્યારે તપાસ કરનાર એજન્સી બીજી હોઇ તેથી તપાસ બાદ કાર્યવાહી કરાશે. તેમણે સ્થાનિક પેનલ પીએમ અથવા જામનગરમાં પીએમ કરાવવાની માંગ સ્વીકારી હતી.

મામલો શું છે ?
3 વર્ષ પહેલાં તા. 19 નવે. 2017 ના રોજ બડોદર રેલ્વે સ્ટેશનથી અડધો કિમી દૂર લુશાળા તરફ રેલ્વેના પાટા પરથી એક 22 થી 25 વર્ષની અજાણી યુવતીની લાશ મળી આવી હતી. મૃતદેહના નાક અને મોઢામાંથી લોહી નિકળતું હતું. અને કોઇ હત્યા કરી લાશને ફેંકી ગયાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે બડોદરના સરપંચ ગીગાભાઇ કાનાભાઇ મહિડાએ પોલીસને જાણ કર્યા બાદ ગુનો નોંધાયો હતો. પોલીસ આ કેસની તપાસ ચલાવી રહી છે. આ કેસમાં મહિલાના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલના આધારે 11 થી વધુ લોકોને બોલાવી પુછપરછ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...