આગમાં ટ્રાન્સફોર્મર બળીને ખાખ:કોડીનારના દેદાની દેવળી ગામે સબ સ્ટેશનના ટીસીમાં અચાનક વિકરાળ આગ ભભૂકતાં અફડાતફડીનો માહોલ

ગીર સોમનાથ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રોડ અને રહેણાંક વિસ્તારમાં જમીનથી 5 ફૂટ ઉપર રખાયું છે મહાકાય ટ્રાન્સફોર્મર
  • ટીસી 30 મિનિટ સુધી સળગતું રહ્યું, સદનસીબે કોઇ જાનહાનિ નહિં

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામમાં ગઇકાલે ગુરૂવારે રાત્રે રહેણાંક વિસ્તારમાં જમીનથી પાંચેક ફુટ ઉંચે મુકવામાં આવેલ સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ આગમાં આખું ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના અંગે ગ્રામજનોએ વીજ વિભાગને જાણ કરતા સ્ટાફે દોડી આવી કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના રહેણાંક વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર મકાનોથી નજીક જમીનથી પાંચ ફુટ ઉંચાઈ પર ફિટ કરવામાં આવેલ સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં ગતરાત્રીના અચાનક જ આગ લાગી હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અંદાજે અડધી કલાક સુધી ચાલુ રહેલી આ ભીષણ આગમાં ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું.

આ આગની ઘટનાના પગલે આસપાસમાં રહેતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ કરાતાં વીજ વિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી આવી કામે લાગ્યો હતો. આ મહાકાય ટ્રાન્સફોર્મર રહેણાંક વિસ્તારમાં હોવાથી જે ગ્રામજનો માટે મોટું જોખમ હોવાથી દુર સુરક્ષિત સ્થળે મુકવાની ગ્રામજનોએ ઘટના બાદ લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...