વેરાવળમાં ખારવા માછીમાર સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ધો. 10 અને 12 પછી કારકિર્દીના કયા કયા ક્ષેત્રો પસંદ કરી શકાય તે વિષય પર વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં તજજ્ઞોએ કોરોના કાળ પછી વિદ્યાર્થીઓની વિચલિત મનોસ્થિતિમાં સચોટ માર્ગદર્શન જરૂરી હોવાનો મત રજુ કર્યો હતો.
વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા કોમ્યુનિટી હોલમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ધો. 10 તથા 12 પછી શું? કોલેજના અભ્યાસ પછી શું? જેવા સવાલોના જવાબ અને કારકિર્દીની સંપૂર્ણ માહિતી રાજકોટના શિક્ષણવિદ રોનક રાવલ તથા અર્જુનસર દ્વારા આપવામાં આવી હતી. જેમાં કરીયર અને ઉચ્ચ અભ્યાસ કરવાને લઈ વિદ્યાર્થીઓએ પોતાના મનમાં રહેલા સવાલોના જવાબો તજજ્ઞો પાસેથી મેળવ્યા હતા.
આ તકે તજજ્ઞોએ પણ જણાવ્યું હતું કે પોતાના શોખ અને ધ્યેય સાથે કોઈ એક ફિલ્ડ પસંદ કરી તે દિશામાં મહેનત કરશો તો જ સફળ થશો. અભ્યાસમાં કે કરીયરમાં એક-બે વખત ધાર્યા કરતાં ઓછું કે નબળુ પરીણામ આવે તો મુંઝાયા વગર ફરી સખ્ત મહેનત કરશો એટલે ધાર્યુ પરીણામ મેળવી શકશો. હંમેશા મનગમતા જ વિષય અને ફિલ્ડની જ પસંદગી કરવા તેમણે અપીલ કરી હતી.
ખારવા સમાજ સાગરપુત્ર ફાઈન્ડેશન દ્વારા સમાજની બહેનો માટે વિનામુલ્યે કોમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં અંદાજીત 700 જેટલી બહેનોએ કોમ્પ્યુટર શિક્ષણનું જ્ઞાન મેળવ્યું છે. જેમાં 240 જેટલી વિદ્યાર્થિનીઓએ કોમ્પયુટર શિક્ષણનો બેઝીક કોર્ષ પૂર્ણ કર્યો હોવાથી સેમિનારમાં તેમને સાગરપુત્ર ફાઉન્ડેશન, સોમનાથ ટ્રસ્ટ અને અદાણી ગ્રુપ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સમાજના પટેલ કીરીટભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેંસલા, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી જ્ઞાતિના પટેલ ચુનીભાઇ ગોહેલ, સી ફુડ એસોસિએશનના નેશનલ પ્રેસીડેન્ટ જગદીશભાઈ ફોફંડી, પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સી ફુડના પ્રમુખ કેતનભાઈ સુયાણી, સોમનાથ ટ્રસ્ટના અજયભાઈ દુબે, અદાણી ગ્રુપના અનિરૂદ્ધ સહિત શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.