શાળામાં થતી બાળ વિકાસલક્ષી પ્રવૃત્તિ હંમેશા ફળદાયી નીવડતી હોય છે. જૂનાગઢ જિલ્લાની કેટલી સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓ એવી છે જેની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોની શિક્ષણલક્ષી પ્રવૃત્તિના કારણે જિલ્લામાં નહીં પણ રાજ્યમાં પ્રચલિત બની છે.
આવી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વેઇટિંગમાં રહેવું પડે છે, જે સરકારી શિક્ષણની બદહાલીની ચર્ચા કરતા જુદું જ ચિત્ર ઉભું કરે છે. જૂનાગઢ તાલુકાના કાથરોટા ગામની માધ્યમિક શાળા આમ તો સરકારી છે, પણ અહીં અભ્યાસ માટે જૂનાગઢના વિદ્યાર્થી પણ જવા લાગ્યા છે!
આ સ્કૂલમાં 3 વર્ષથી પ્રાર્થના સભા બાદ જ્ઞાન વર્ધક સમાચારોનું વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવતું હતું, પણ હવે શાળાના શિક્ષક અને ટેક્નોલોજીના માહિર એવા બળદેવપરીએ સમાચારની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.
આ ખુબ પ્રેરણાદાયી પ્રવૃત્તિ અંગે વાત કરતા શિક્ષક બળદેવપરીએ જણાવ્યું હતું કે, આ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સતત અભ્યાસની સાથે તેમના સર્વાંગી વિકાસ માટે જુદી-જુદી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. પ્રાર્થના સભા બાદ વિદ્યાર્થીઓ પાસે જ્ઞાનવર્ધક એવા અનેક સમાચારોનું વાંચન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતું હતું.
પણ છેલ્લા બે મહિનાથી સમાચારની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે, જેમાં 61માંથી 55 વિદ્યાર્થીઓ સમાચારનું વાંચન કરી ચુક્યા છે. અહિં દરેક વિદ્યાર્થીને એંકર બનવાનો મોકો મળે છે જેમાં સ્કૂલોમાં થતી પ્રવૃતિઓ ઉપરાંત ગામની પોઝિટિવ વાત, દેશ-વિદેશની અવનવી વાતો, વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવા સમાચારો વગેરે સમાવી લેવામાં આવે છે.
જેનાથી આજુબાજુની સ્કૂલની પ્રવૃતિઓ અહીં સમાચાર બને તે માટે અન્ય સ્કૂલમાં પણ સ્પર્ધા વધી છે. આ સમાચાર ચેનલથી વિદ્યાર્થીઓના પરિવારજનો અને ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળે છે અને આજે શું હશે સમાચારમાં? તેની ચર્ચા પણ થતી હોય છે.
હરણફાળ ભરી રહેલા જમાનામાં જનરલ નોલેજ વધવાની સાથે સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, સ્ટેજ ફિયર દૂર થાય, નવા નવા સમાચારોની જાણકારી મળે, પત્રકારત્વ ના એક પાસાંનો અનુભવ પણ થાય, વિદ્યાર્થીઓમાં શિક્ષણલક્ષી ટેક્નોલોજીનો ઉપયોગ વધે અને બાળકોની વાતો તેમાં હોવાથી બીજા બાળકોનો ઉત્સાહ વધે તેવા અનેક હેતુ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.