માર્ગદર્શન:જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીથી માહિતગાર કરાયા

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે વ્યાખ્યાનનું આયોજન કરાયું

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી SSIP અંતર્ગત વિદ્યાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે દરેક વિદ્યાર્થીઓ આ SSIPથી માહિતગાર થાય તે હેતુથી આ વિશેષ વ્યાખ્યાનનું આયોજન SSIP કોર્ડીનેટર ડો. ભાવનાબેન ઠુંમર દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે SSIPના તજજ્ઞ તરીકે પ્રિ. ડો. પી. વી. બારસિયા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ સંશોધન કરી શકે છે. કોઈ કાર્ય અશકય નથી. વૈજ્ઞાનિક ન્યુટન જેવા કેટલાય વૈજ્ઞાનિકના દષ્ટાંત દ્વારા વિદ્યાર્થીઓને SSIPના મૂળમાં શું રહેલું છે. આ ઉપરાંત પોતાના અનુભવ આધારે કોઠાસૂઝને ઈનોવેટિવ વિચારમાં બદલાવી શકાય તેવી પ્રેરણાત્મક વાત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ અનોખું વ્યકિતત્વ ધરાવે છે. દરેકની અંદર શક્તિ છુપાયેલી છે. તેને ઢંઢોળવાની જરૂર છે. થોડી મહેનત કરવાની જરૂર છે. હાલ SSIP 2.0 જે ૨૦૨૨ થી ૨૦૨૭ ના પાંચ વર્ષના આ સમય ગાળામાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવા માટે આહવાન કરેલ છે. સાથે સાથે લઘુતાગ્રંથિ ત્યજી પોતાની અંદર ભગવાને આપેલી ભેટ-શક્તિને ઓળખી ઇનોવેશન કલબ અને SSIP માં જોડાવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. અંતમાં આ પ્લેટફોર્મના માધ્યમથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ લે તે ઉદેશ્ય સાથે આ પોલિસીની ઝીણવટ ભરેલ માહિતી આપી હતી.

આ SSIP લેક્ચરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતમાં SSIP સહ - કોર્ડીનેટર પ્રો. અમીન સમા એ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે SSIP સમિતિના પ્રો.આર.એચ.પરમાર,ડો.દિનાબેન લોઢીયા,પ્રો. દીપિકાબેન કેવલાણી, પ્રો.રાજીવભાઈ ડાંગર તથા સમગ્ર કોલેજ પરિવારે જહેમત ઉઠાવી હતી.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭ થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ પોલીસી નો સમયગાળો તા.૧૦-૦૧-૨૦૨૨ના રોજ પૂર્ણ થયેલ છે, જેથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP 2.0) ને વધુ પાંચ વર્ષ માટે (જાન્યુઆરી, ૨૦૨૨ થી માર્ચ, ૨૦૨૭)અમલમાં મૂકવામાં આવેલ છે. SSIP 2.0 અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબનો સપોર્ટ પુરો પાડવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

રાજ્યની યુનિવર્સિટીઓ ખાતે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવા અને ઇનોવેશન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગામી પાંચ વર્ષમાં મહત્તમ રૂ. ૫.૦ કરોડ સુધીનો લાભ અને રાજ્યની સંસ્થાઓ ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે આગામી પાંચ વર્ષમાં રૂ. ૨.૭ કરોડ સુધીનો લાભ.

અન્ય સમાચારો પણ છે...