પરીક્ષા આપવામાં સરળતા:ધો.12 નાં છાત્રોને પરીક્ષા આપવા 2 કિલો મીટરથી વધુ દૂર નહીં જવું પડે

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છાત્રોને પરીક્ષા આપવામાં સરળતા રહે તે માટે જૂનાગઢ શહેરના પરીક્ષા કેન્દ્રોનું પુન: ગઠન કરી 4 ઝોનમાં વિભાજન કરતા જિલ્લા શિક્ષણાધિકારી

આખરે રાજ્ય સરકારે કોરોનાના કારણે અનેક વખત પાછળ ધકેલાયેલી ધોરણ 12ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જૂલાઇ 2021થી લેવાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

આમાં ખાસ બે બાબતો પર ભાર મૂકાયું છે જેમાં પરીક્ષા કેન્દ્રો પર કોરોનાની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલગન, સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની શાળાની નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે, કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવું ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્ર શરૂ કરવાની વ્યવવસ્થા કરવાની રહેશે. ત્યારે આ બાબતને ધ્યાને લઇ જૂનાગઢમાં પણ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યયાયે જણાવ્યું હતું કે, છાત્ર જે શાળામાં અભ્યાસ કરતો હોય તેની નજીકના સ્થળે પરીક્ષાનું બિલ્ડીંગ મળે તેવા જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત પ્રયાસ કરાયો છે. આ માટે જૂનાગઢના પરીક્ષા કેન્દ્રોનું પુન: ગઠન કરાયું છે. જૂનાગઢ શહેરને અક્ષરવાડી, જોષીપરા, દાતાર અને ગિરનાર એમ 4 પરીક્ષા કેન્દ્રોમાં વિભાજન કરવામાં આવ્યું છે. પરિણામે છાત્ર નજીકના સ્થળે જ પરીક્ષા આપી શકશે. આમ, જે છાત્રોને પહેલા પરીક્ષા દેવા માટે 5 થી 7 કિમી સુધી દૂર જવું પડતું હતું તેેને બદલે દોઢ થી બે કિલોમિટર જ દૂર જવું પડશે. આમ, નજીકનું પરીક્ષા કેન્દ્ર મળતા છાત્રોને તેમજ વાલીઓને પણ ફાયદો થશે. પરીક્ષાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત થશે જેથી તમામ છાત્રો નિર્ભય રીતે પરીક્ષા આપી શકશે.

દરમિયાન પહેલા એક પરીક્ષા ખંડમાં 30 છાત્રોને બેસાડી પરીક્ષા લેવાતી હતી. હવે કોરોનાના કારણે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું હોય એક પરીક્ષા ખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસવા દેવાશે. પરિણામે બિલ્ડીંગની સંખ્યા તેમજ બ્લોકની સંખ્યામાં પણ વધારો થશે. આમ, બિલ્ડીંગ અને બ્લોકની સંખ્યામાં 50 ટકા જેવો વધારો થશે.

નવી પદ્ધતિથી આટલો વધારો થયો
કોરોનાના કારણે નવી રીતે માત્ર 20 છાત્રો સાથે પરીક્ષા લેવાની હોય જેનાથી કુલ 81 બિલ્ડીંગને બદલે 141 બિલ્ડીંગનો ઉપયોગ થશે. જ્યારે 825 બ્લોકના બદલે 1237 બ્લોકમાં પરીક્ષા લેવાશે. આમ, 60 બિલ્ડીંગો તેમજ 412 બ્લોકનો વધારો થયો છે.

જૂની 30 છાત્રો મુજબની માહિતી
જૂની 30 છાત્રો સાથેની ધોરણ 12 સામાન્ય પ્રવાહની લેવાતી પરીક્ષામાં જૂનાગઢ અને કેશોદ ઝોન મળી કુલ 81 બિલ્ડીંગોના 825 બ્લોકમાં પરીક્ષા લેવાતી હતી. આમાં 24,750 છાત્રો પરીક્ષા આપતા હતા.

નવી 20 છાત્રો મુજબની માહિતી
હવે કોરોનાના કારણે 20 છાત્રો સાથે જ ધોરણ 12ની પરીક્ષા લેવાની હોય જૂનાગઢ અને કેશોદ ઝોનના 141 બિલ્ડીંગ મળી 1,237 બ્લોકમાં પરીક્ષા લેવાશે જેમાં પણ 24,750 છાત્રો પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...