ગુરૂવારે ગાંધીનગર ખાતે રાજ્યભરના શિક્ષકોનો ધરણાંનો કાર્યક્રમ થનાર છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના 2,000થી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડાશે. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, જૂની પેન્શન યોજના તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઇને 6 મે- ગુરૂવારે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉભી કરી ધરણાં કરશે.
આ ધરણાંનો કાર્યક્રમ રાષ્ટ્રિય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુક્ત મોરચો ગુજરાત રાજ્ય દ્વારા કરાશે. ખાસ કરીને રાષ્ટ્રિય સંયુક્ત મોરચામાં જોડાયેલ રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, આચાર્ય વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત સ્ટેટ ટ્રાવેલ્સ, જીઇબી કર્મીઓ સહિતના સંગઠનો જોડાશે. જૂનાગઢ જિલ્લામાંથી વધુને વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડાય તે માટે બેઠકો યોજી તૈયારી કરી લેવાઇ હોવાનું જીતુભાઇ ખુમાણે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.