રાજય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2022 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સાનિધ્યમાં વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજયકક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધાને જી.પં.ના પ્રમુખ રામીબેન વાજા, પાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે યોગસાધકો પ્રતીક મેવાડા અને મુકેશ પુરોહિત દ્વારા યોગકલાનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ તકે ઉદબોધનમાં પાલિકા પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીએ બાળકોને એકાગ્રતા વધારવા માટે માતા-પિતા દ્વારા યોગ કરવા પ્રેરિત કરવા સૂચન કર્યુ હતુ. આ સાથે જ તમામ લોકોએ યોગને અપનાવી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી. યોગને માનવ જીવનના માનસિક અને શારીરિક ઉત્થાનનો ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો. બાળકો માટે યોગ માનસિક અને શારીરિક શક્તિઓના ઉત્કર્ષ માટે અસરકારક હોય યુવા પેઢીને પહેલાથી જ યોગનું જ્ઞાન આપવું જરૂરી છે.
રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા તા.23થી લઈને તા.29 મે સુધી ચાલશે. જેમાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 1500 જેટલા ખેલાડીઓ ભાગ લઈને પોતાની યોગ કલાની પ્રસ્તુતિ કરશે. રાજ્ય સરકાર દ્વારા અંડર-14, અંડર-17, ઓપન, અબોવ -14, અને અબોવ-60 કેટેગરી હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયત કરાયેલ નોડલ અધિકારી અને યોગ નિષ્ણાતોની પેનલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરવામાં આવશે. વિજેતાઓ માટે મેડલ, પ્રમાણપત્ર,રોકડ પુરસ્કાર,આપવામાં આવશે.
રાજ્ય ભરમાંથી આવેલ સ્પર્ધકો, કોચ, અને સપોર્ટ સ્ટાફ માટે સરકાર દ્વારા રહેઠાણ, પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે યોગ એસોસિએશનના એન.કે.જાડેજા, ઉમંગ ડોન, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ અર્જુનસિંહ પરમાર, બી.સી.સોલંકી, રમત અધિકારી કાનજી ભાલીયા, રાજ્ય કક્ષાના યોગ હેડકોચ અને નોડલ અધિકારી સંદિપ શેઠ, યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.