ભાસ્કર એક્સક્લૂઝિવ:રાજ્યના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના દેખાયા

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓ રજાના પગારની માગણી સાથે હડતાળ પર
 • પૂનમે સામાન્ય રીતે 600-700 સિંહ દેખાય છે, હડતાળ પડી તો 50% જ દેખાયા
 • ટ્રેકર અને મજૂરો જંગલમાં િવવિધ સ્થળે પહોંચી જ ના શક્યા

લેખક: નિમિષ ઠાકર
જૂનાગઢમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડ સહિતના કર્મચારીઓની રજાના પગારની માંગણી સાથેની હડતાળની અસર ગીર જંગલની કામગીરી પર પણ દેખાવા લાગી છે. ગત રાત્રે રાબેતા મુજબ વન વિભાગે પૂનમ હોવાથી સિંહની ગણતરી કરી હતી, પરંતુ તેમાં ફક્ત અડધા સિંહ જ દેખાયા હતા. આ દરમિયાન સામાન્ય રીતે જે 600થી 700 સિંહ દેખાય છે, એમાં 50 ટકા સિંહ દેખાયા જ ન હતા.

આ વખતે 350 જેટલા વન કર્મચારી જોડાયા ન હતા
આ વખતે ટ્રેકરો અને મજૂરો માત્ર 300થી 400 સિંહ જ નોંધી શક્યા હતા. જોકે, આ ગણતરીમાં દર વખતે વનવિભાગનો સ્ટાફ પણ જોડાયેલો હોય છે. આથી લગભગ બધા જ સ્પોટ પર ગણતરી થઈ જાય છે, પરંતુ ફિલ્ડ સ્ટાફની ગેરહાજરીના કારણે સ્વાભાવિકપણે જ બધે પહોંચી શકાયું ન હતું. દર વખતે ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર અને દહાડિયા મજૂર સહિત કુલ 600-700 લોકો સિંહની વસતી ગણતરી કરે છે, જ્યારે આ વખતે 350 જેટલા વન કર્મચારી આ કામમાં જોડાયા ન હતા.જેના કારણે માત્ર ટ્રેકર અને મજૂરો જ સિંહ ગણતરી કરી હતી.

પાંચ હજારથી વધુ વન કર્મચારીઓ 29 ઓગસ્ટથી હડતાળ પર
હડતાળ પર ગયેલા વન કર્મચારીઓની માંગ છે કે, તેઓ પણ પોલીસની જેમ 24 કલાક ફરજ બજાવે છે. પોલીસને શનિ અને રવિવારે ફરજના ભાગરૂપે વળતર મળે છે, જે તેમને પણ મળવું જોઈએ. આ કારણસર સમગ્ર રાજ્યમાં પાંચ હજારથી વધુ વન કર્મચારીઓ 29 ઓગસ્ટથી હડતાળ પર છે.

નેસડાના ઢોરમાં પણ લમ્પી ફેલાયો, લમ્પીગ્રસ્તનું મારણ કરનાર સિંહનો પતો નથી
આજે જૂનાગઢ આવેદન આપવા આવેલા વન કર્મચારીઓએ જણાવ્યું હતું કે, નેસડામાં રહેતા પશુપાલકોના ઢોરમાં પણ લમ્પી વાયરસ દેખાયો છે. અમે ફરજ પર હોઈએ તો એ પશુને ચરવા માટે જંગલમાં ન આવવા દઈએ. અમને આવા સમયે કાર્યવાહીની સત્તા છે, જ્યારે આરએફઓ બધે પહોંચી શકવાના નથી. બીજી તરફ રાજુલાના માડરડીમાં લમ્પીગ્રસ્ત વાછરડીનુ સિંહે મારણ કર્યું હતું, પરંતુ હવે એ સિંહની તબિયત કેવી છે એની કોઈને ખબર જ નથી.

SRPના જવાનો તહેનાત કરાયા પણ આ સવાલો હજુ યથાવત
SRPના જવાનો તહેનાત કરાતા સરહદે આવેલી જંગલની જમીનમાં દબાણ, રેતી-માટી સહિતના ખનીજની ચોરી તેમજ ચંદન-સાગ જેવા કિંમતી લાકડાની ચોરી થવાની આશંકા સર્જાઈ છે. એસઆરપીના જવાનો સિવિલિયન વિસ્તારોમાં કામ કરવા ટેવાયેલા છે, જેથી વન કર્મચારીઓએ એસઆરપીની તહેનાતી સામે નીચેના પણ 12 સવાલ ઉઠાવ્યા છે.

 • SRPને જંગલની નોકરીનો અનુભવ છે?
 • તેઓ જંગલના રસ્તા, બીટ, રેન્જથી માહિતગાર છે?
 • જંગલી પ્રાણીઓની વર્તણૂકનો તેમને અનુભવ છે?
 • જંગલમાં ઢોર ચરાવનાર નેસના રહેવાસી છે કે બહારના, તે ખબર છે?
 • જંગલના પ્રાણીઓના રેસ્ક્યુનું કામ આવડે છે?
 • સિંહ-દીપડાનું આરોગ્ય સારું છે કે ખરાબ તે ખબર પડે છે?
 • રાત્રે જંગલની અંદર બીટમાં ફેરણા કરી શકશે?
 • બીટમાં ચાલીને ફરશે કે માત્ર બાઈક લઈ ફરશે?
 • કોઈ જંગલી પ્રાણીઓને રેસ્ક્યુ કરવા કોની મદદ લેશે? 10) હાલ ચોમાસુ છે તો જંગલના મચ્છરો વચ્ચે દિવસ રાત રહેશે?
 • 8 કલાકની નોકરી બાદ ઈમરજન્સીમાં પ્રાણીઓ માટે દોડી શકશે?
 • મારણ થાય ત્યારે ગામ લોકોના સવાલોના જવાબ આપી શકશે?
અન્ય સમાચારો પણ છે...