કલેકટરને રજૂઆત:મંજૂર થયેલ જૂનાગઢ-ઇવનગર-મેંદરડા બાયપાસનું કામ ચાલુ કરાવો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ પહેલા રોડ, કપાત જમીનની રકમ મંજૂર કરી છે
  • આગામી ફરિયાદ સમિતીમાં પ્રશ્ન રજૂ કરવા ધારાસભ્યની કલેકટરને રજૂઆત

મેંદરડા- જૂનાગઢ વાયા ઇવનગર બાયપાસનું કામ સત્વરે શરૂ કરવાની માંગ સાથે આગામી ફરિયાદ સમિતીમાં પ્રશ્ન રજૂ કરવા ધારાસભ્યએ કલેકટરને લેખીત રજૂઆત કરી છે. આ અંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે, મેંદરડા-જૂનાગઢ વાયા ઇવનગર બાયપાસ માટે સરકારે 2012માં 730 લાખ મંજૂર કર્યા હતા. પહેલા પથરેખા એ મુજબ કૃષિ યુનિવર્સિટીની વચ્ચેથી રોડ બનાવવાનો હતો. બાદમાં રૂટમાં ફેરફાર થતા સાગડીવીડી ફાર્મ તરફથી પથરેખા બી મુજબ રોડ બનાવવાનું નક્કી થયેલ હતું. દરમિયાન જે ખેડૂતની જમીન કપાત થતી હોય તેમની જમીન સંપાદન માટે 210 લાખ મંજૂર કર્યા હતા.

રસ્તાના કામમાં આવતી યુનિવર્સિટીની જમીન માર્ગ અને મકાન પંચાયત વિભાગને સોંપવા કૃષિમંત્રી રાઘવજી પટેલની સૂચના કરી હતી. તે મુજબ કૃષિના વાઇસ ચાન્સેલરે માર્ગ અને મકાનને મંજૂરી પણ આપી દીધી છે. જ્યારે કપાત થતી જમીનનો રેવન્યુ રેકોર્ડ ફેરફાર કરવા શહેર અને ગ્રામ્ય મામલતદારને સાદર કરેલ છે જે કામગીરી હજુ સુધી પેન્ડીંગ છે.

જ્યારે રસ્તાની જમીન સંપાદન કરવા પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું 10,11અને 19 મંજૂર કરવામાં આવ્યું છે. દરમિયાન જમીનની કિંમત નક્કી કરવાની હોય છે જેના માટે નગર નિયોજકની કચેરીમાં 7 માસથી કામગીરી પેન્ડીંગ છે.ત્યારે સલંગ્ન વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી બાયપાસની કામગીરી સત્વરે શરૂ કરાવવા રજૂઆત કરાઇ છે.

બે ધારાસભ્યની અલગ અલગ માંગ છે
જૂનાગઢ મેંદરડા વાયા ઇવનગર બાયપાસ રોડને લઇને વર્તમાન અને પૂર્વ ધારાસભ્યની અલગ અલગ માંગ હતી. વર્તમાન ધારાસભ્ય ભીખાભાઇ જોષીની માંગ હતી કે, કૃષિ યુનિવર્સિટીની વચ્ચેથી બાયપાસ પસાર થાય જેથી બાયપાસની લંબાઇ ઘટી જતા ખર્ચ પણ ઘટી જશે. જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ ઇચ્છે છે કે, કૃષિ યુનિવર્સિટીની મધુરમ પાસેની દિવાલ પાસેથી બાયપાસ બને. જો કૃષિ યુનિવર્સિટીમાંથી બાયપાસ બનશે તો અક્ષર મંદિર સુધી ટ્રાફિક જામ રહેશે અને અકસ્માતોનું જોખમ પણ વધી જશે.

ઇવનગરના ગ્રામજનોએ મતદાન બહિષ્કારની ચિમકી પણ આપી છે
દરમિયાન ઇવનગર ગામના ગ્રામજનોએ પણ બાયપાસનું કામ સત્વરે ચાલુ કરવાની માંગ કરી છે. સાથે જો તંત્ર સત્વરે કામ શરૂ નહિ કરાવે તો મતદાન બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારેલી હતી. બાદમાં કામમાં થયેલ વિલંબ મામલે તંત્ર તપાસ બાદ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા આદેશ પણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...