શિક્ષણની સમસ્યા:જવાહર નવોદયમાં ધોરણ 11, 12 સાયન્સ શરૂ કરો, વાલીઓએ જઇ પ્રિન્સીપાલને કરી રજૂઆત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢ શહેરની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 પછીના અભ્યાસ માટેની કોઇ વ્યવસ્થા ન હોય વાલીઓમાં ભારે રોષ
  • જો ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા નહિ થાય તો આર્થિક રીતે નબળા વાલીઓને પોતાના બાળકોને ભણાવવું મુશ્કેલ બનશે

જૂનાગઢની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 10 સુધી જ અભ્યાસ માટેની વ્યવસ્થા છે, ધોરણ 11 અને 12 સાયન્સ માટેની કોઇ સુવિધા નથી. ત્યારે આ વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 સાયન્સનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે. આ અંગે મળતી વિગત મુજબ સોમવારે કેટલાક વાલીઓ જવાહર નવોદય વિદ્યાલયે જઇ પ્રિન્સીપાલને મળ્યા હતા અને શિક્ષણની સમસ્યાથી વાકેફ કર્યા હતા.

વાલીઓએ જણાવ્યું હતું કે, આઇટીઆઇ વાળા બિલ્ડીંગમાં જવાહર નવોદય વિદ્યાલય ચાલે છે. અહિં 6 થી લઇને ધોરણ 10 સુધી જ શિક્ષણની સુવિધા છે. ત્યારે હવે ધોરણ 11 અને 12 સાયન્સના અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. જો આ અભ્યાસક્રમ શરૂ કરવામાં નહિ આવે તો આર્થિક રીતે નબળા વાલીઓને પોતાના બાળકોને ભણાવવા મુશ્કેલ બનશે. ત્યારે આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને પણ ધોરણ 11 અને 12 સાયન્સનો અભ્યાસ શરૂ કરાવવાની માંગ છે.

જૂનાગઢ શહેરમાં 6 વર્ષ પછી પણ વ્યવસ્થા ન થઈ!
જૂનાગઢમાં 2017માં જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરાયું છે. આમ, આ વિદ્યાલય શરૂ થયું તેને 6 વર્ષ વિતી ગયા છે, છત્તાં હજુ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમની સુવિધા નથી! જ્યારે કોડીનાર,પોરબંદર, દ્વારકા વગેરેમાં ધોરણ 11 અને 12 સાયન્સના અભ્યાસક્રમની સુવિધા છે. ત્યારે જૂનાગઢમાં કેમ ધોરણ 11 અને 12સાયન્સ શરૂ કરવામાં નથી આવતું? આ અંગે સત્વરે યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગ કરાઇ છે. > કૃણાલ સોલંકી, પ્રમુખ, આમ આદમી પાર્ટી યુવા મોરચો.

બહાર ભણાવવાના 5 લાખ રૂપિયા થાય
વાલીઓએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, અમારૂં સંતાન અહિં ફ્રિમાં અભ્યાસ કરે છે. ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ન હોય અમારે બહારની ખાનગી શાળામાં એડમિશન લેવું પડશે. ત્યારે સીબીએસસી કક્ષાના અભ્યાસક્રમો માટે 5-5 લાખના પેકેજ હોય છે. ત્યારે આટલી મોંઘી ફિ કઇ રીતે ભરી શકીએ?

મજૂરી કરૂં છું, એકી સાથે 50,000 પણ જોયા નથી!
ધોરણ 11 અને 12 સાયન્સમાં સીબીએસીસી કક્ષાના અભ્યાસ માટે 5-5 લાખના પેકેજ હોય છે. હું તો મજૂરી કરૂં છું, દરરોજના 300ની દાડી(મહેનતાણું)મળે છે. મે મારી જીંદગીમાં 50,000 પણ એકીસાથે જોયા નથી ત્યારે ફિ ભરવાના 5 લાખ ક્યાંથી કાઢવા? માટે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 સાયન્સ વ્હેલી તકે શરૂ થાય તે જરૂરી છે.

વાલીઓની મિટીંગ મળશે, આવેદન અપાશે
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6થી 9માં દરેક વર્ગમાં 40- 40 બાળકો અભ્યાસ કરે છે. આમ તેની સંખ્યા 160ની થાય છે. જ્યારે ધોરણ 10માં 80 વિદ્યાર્થીઓ છે. આમ,કુલ 240 જેટલા વિદ્યાર્થીઓ છે. આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓની આગામી ટૂંક સમયમાં જ બેઠક બોલાવાશે અને બાદમાં કલેકટરને આવેદન આપવામાં આવશે.

શું સુવિધાની ખામી છે?
ધોરણ 11 અને 12 સાયન્સ શરૂ કરવા માટે અહિં હોસ્ટેલ નથી, ક્લાસરૂમ નથી, બિલ્ડીંગ નથી, લેબોરેટરી નથી અને પૂરતો સ્ટાફ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...