રસીકરણની કામગીરી શરૂ:બાળકોને મગજના તાવથી બચાવતી રસી મફતમાં આપવાનું શરૂ

જૂનાગઢ, જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવથી રક્ષિત કરાશે : સોરઠ અને જામનગર જિલ્લામાં નવી રસી ન્યુમોકોકલ કોંજુગેટનું લોન્ચીંગ કરવામાં આવ્યું
  • બાળ મરણનું પ્રમાણ ઘટાડવા માટે રસી ઉપકારક સાબિત થશે : 2 થી 2.5 હજારમાં મળતી આ રસી નિ:શૂલ્ક અપાઇ રહી છે : દેશભરમાં રસીકરણની કામગીરી શરૂ

સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટ PCVને શામેલ કરવામાં આવી છે. બાળકોમાં ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા થનારી બીમારીઓ જેવી કે ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં આ રસી મદદરૂપ સાબીત થશે. ન્યુમોકોકલ બીમારીના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ પરિવાર પર ભારે આર્થિક ભારણ આવી શકે છે.

ન્યુમોનિયા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે અને ન્યુમોકોકસ બેકટેરિયાએ ન્યુમોનિયાનું મુખ્ય કારણ છે. પીસીવી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયાના મુખ્ય કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક માધ્યમ છે. ખાનગી ક્ષેત્રે 2 થી 2.5 હજારમાં મળતી આ રસી પીસીવી જે દેશભરમા નિયમિત રસીકરણ અંતર્ગત વિનામુલ્યે આપવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં દરેડથી જિલ્લા કક્ષાના પીસીવી વેક્સીન લોંચીગ કાર્યક્રમની જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી‌‌‌, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવારના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય સમિતીના ચેરમેન જગદિશભાઇ સંગાણી, સરપંચ રમીલાબેન રૂપાપરા, ટી.એચ.ઓ. ડો.ગુપ્તા, જિલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઇ વાડોદરીયા તથા કમલેશભાઇ ધમસાણીયા, ટી.ડી.ઓ. સરવૈયા સહિતના આગેવાનો તથા ગ્રામજનોનો ઉપસ્થિતમાં સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.

જ્યારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનો મેયર બીનાબેન કોઠારી, મ્યુ. કમીશનર વિજય ખરાડી, આરોગ્ય સમિતીના ચેરમેન ડીમ્પલબેન રાવલ, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા સહિતના ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો હતો.

પણાંદરમાં બાળકોને પીસીવી રસી અપાઈ
કોડીનાર : પણાંદર પીએચસી ખાતે બાળકોને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન(પી.સી.વી.) લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ દિલીપભાઇ મોરી, પણાંદરના સરપંચ માનસિંહભાઇ ચૌહાણ, દિગ્વિજયસિંહ બારડ તથા પીએચસીનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. તસવીર: મિલાપ સુચક

મેઘપૂર ગામે પીસીવી રસી બાળકોને અપાઈ
કાજલી : વેરાવળ તાલુકાના મેઘપુર ગામે આરોગ્ય વિભાગ દ્વારા 1.5 મહિનાના બાળકોને ન્યૂમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી ન્યૂમોકોકલ કોજુગેટ વેકિસન(પી.સી.વી.) આપવામાં આવી હતી. આ તકે જી.પં. પ્રમુખ બચુભાઈ વાજાએ હાજરી આપી રસીકરણનો શૂભારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...